News of Sunday, 6th April 2025
ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે 10 સેકન્ડમાં જમીન ચકાસતું AI સોઇલ એનાલાઇઝર ડિવાઇસ વિકસાવ્યું : ખેતીમાં ક્રાંતિની શરૂઆત, પીએમ મોદીની પ્રેરણાનું પરિણામ
પરંપરાગત 10 દિવસની સોઇલ ટેસ્ટિંગ પ્રક્રિયાને બદલે માત્ર 10 સેકન્ડમાં પરિણામ આપતું ઉપકરણ : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્પેક્ટ્રોસ્કોપીથી સજ્જ આ ડિવાઇસ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે

અમદાવાદ (ઉમંગ બારોટ, પ્રાદેશિક માહિતી કચેરી): ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેવું એક અદ્ભુત ઉપકરણ વિકસાવ્યું છે. આ AI સોઇલ એનાલાઇઝર ડિવાઇસ પરંપરાગત રીતે 10 દિવસ કે તેથી વધુ સમય લેતી જમીન ચકાસણી (સોઇલ ટેસ્ટિંગ) પ્રક્રિયાને માત્ર 10 સેકન્ડમાં પૂર્ણ કરી દે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેક્ટ્રોસ્કોપીના સંયોજનથી બનેલું આ ઉપકરણ ખેડૂતોને તેમના ખેતરની જમીનની ગુણવત્તા તાત્કાલિક જાણવામાં મદદ કરશે, જે પ્રાકૃતિક ખેતી અને ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પીએમ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી સફર:
આ ઉપકરણની શોધ પાછળની કહાની 2011ના એક સેમિનારથી શરૂ થાય છે, જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં ‘ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ફોર રૂરલ ડેવલપમેન્ટ’ વિષય પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા શ્રી મોદીએ ડૉ. મધુકાંત પટેલને મળીને કહ્યું હતું, “વૈજ્ઞાનિક, મારા ખેડૂત માટે કંઈક કરો.” આ ટકોરે ખેડૂતપુત્ર અને ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ. પટેલના મન પર ઊંડી છાપ છોડી. તેમણે ઇસરોમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ આ પ્રેરણાને પોતાનું લક્ષ્ય બનાવ્યું અને ખેડૂતોના હિતમાં ટેકનોલોજી વિકસાવવાનું શરૂ કર્યું. એક દાયકાથી વધુ સમયના સંશોધન પછી આજે તેઓ AI સોઇલ એનાલાઇઝર ડિવાઇસ સુધી પહોંચ્યા છે.
ડિવાઇસની કાર્યપ્રણાલી અને વિશેષતાઓ:
આ ડિવાઇસ સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંત પર આધારિત છે, જે ભારતીય વૈજ્ઞાનિક સી.વી. રામનના નોબેલ પુરસ્કાર વિજેતા સંશોધન પર કામ કરે છે. આ ઉપકરણ માટી પર અલ્ટ્રાવાયોલેટ, દૃશ્યમાન પ્રકાશ અને ઇન્ફ્રારેડ પ્રકાશ ફેંકીને પરાવર્તિત પ્રકાશના વર્ણપટનું વિશ્લેષણ કરે છે. આનાથી જમીનમાં નાઇટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટેશિયમ (K) જેવા પોષક તત્વોનું પ્રમાણ, PH મૂલ્ય, ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી (EC) અને જૈવિક દ્રવ્યોની હાજરી ઝડપથી જાણી શકાય છે. નેનો ટેકનોલોજીથી બનેલા ધાતુના સળિયા આ ડિવાઇસમાં જમીનના ગુણધર્મોને માપવામાં મદદ કરે છે.
પરંપરાગત સોઇલ ટેસ્ટિંગમાં 10-12 દિવસનો સમય લાગે છે, જેમાં માટીના નમૂનાને લેબમાં લઈ જવી, ‘વેટ કેમેસ્ટ્રી’ પદ્ધતિથી ચકાસણી કરવી અને પરિણામની રાહ જોવી પડે છે. ડૉ. પટેલનું આ ડિવાઇસ ખેતરમાં જ ઉપયોગ કરી શકાય છે, જે માત્ર 10-15 સેકન્ડમાં પરિણામ આપે છે. આ ઉપરાંત, તે જૈવિક દ્રવ્યો, હ્યુમસ, કાર્બનિક તત્વો અને રાઇઝોબિયમ, એઝિટોબેક્ટર જેવા બેક્ટેરિયાની હાજરી પણ શોધી શકે છે, જે પ્રાકૃતિક ખેતી માટે અત્યંત ઉપયોગી છે.
પરંપરાગત પદ્ધતિ પર ડિવાઇસની સરસાઈ:
સરકારી સોઇલ ટેસ્ટિંગ લેબમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)ની માર્ગદર્શિકા અનુસાર માટીનું વિશ્લેષણ થાય છે, પરંતુ આ પ્રક્રિયા લાંબી અને જટિલ હોય છે. રાજ્યમાં 20 સરકારી અને 2 સહકારી લેબમાં આ કામ થાય છે, પરંતુ સેમ્પલની ચકાસણી માટે દિવસોની રાહ જોવી પડે છે. ડૉ. પટેલનું ડિવાઇસ આ સમસ્યાને દૂર કરે છે, કારણ કે તેનો ઉપયોગ સામાન્ય ખેડૂત પણ ટોર્ચની જેમ સરળતાથી કરી શકે છે. આ ડિવાઇસ એક લાખ સેમ્પલ ટેસ્ટ કરી શકે છે, ત્યારબાદ તેના સેન્સર અને પ્રોબ બદલવાની જરૂર પડે છે.
રાજ્ય સરકારની મંજૂરી અને કેલિબરેશન:
આ ડિવાઇસની અસરકારકતા ચકાસવા રાજ્ય સરકારના ખેતી નિયામકની કચેરીએ તેના ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબરેશનને મંજૂરી આપી છે. રાજ્યની સોઇલ ટેસ્ટિંગ લેબ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) અને ઇફકોની લેબમાંથી માટીના નમૂના લઈને આ ડિવાઇસના પરિણામોની સરખામણી કરવામાં આવી રહી છે. AI ટેકનોલોજી અને મશીન લર્નિંગની મદદથી આ ડિવાઇસ 95% સચોટ પરિણામો આપવા સક્ષમ બનશે, એવું ડૉ. પટેલ જણાવે છે. ICAR પણ હવે સ્પેક્ટ્રોસ્કોપી આધારિત સોઇલ ટેસ્ટિંગને પ્રોત્સાહન આપી રહ્યું છે.
ડૉ. મધુકાંત પટેલની સંશોધન યાત્રા:
ગોંડલના વતની અને અમદાવાદના રહેવાસી ડૉ. મધુકાંત પટેલે ઇસરોમાં સિગ્નલિંગ અને રિમોટ સેન્સિંગના ક્ષેત્રમાં લાંબો અનુભવ મેળવ્યો છે. નિવૃત્તિ બાદ તેમણે ખેતી, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં AI આધારિત સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના રિસર્ચ પેપર્સ અને એક્સપર્ટ ટોકની સંખ્યા પ્રભાવશાળી છે. તેમણે મધમાખીના મૂડને જાણવા માટે મધપેટીમાં માઇક લગાવવું અને ચામડીની સ્પેક્ટ્રોસ્કોપીથી કેન્સરપ્રેરક કોષો શોધવા જેવી નવીન તકનીકો પર પણ કામ કર્યું છે.
ખેતીમાં નવી દિશા:
ડૉ. પટેલનું આ ડિવાઇસ ખેડૂતોને તેમના ખેતરની જમીનની ગુણવત્તા વારંવાર અને ઝડપથી ચકાસવાની સુવિધા આપશે. તેની સરળતા અને સચોટતા તેને સામાન્ય ખેડૂતો માટે પણ ઉપયોગી બનાવે છે. “આ ડિવાઇસ ખેતીને નવી દિશા આપશે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોનું ઋણ ચૂકવવાની મારી ખેવનાને સાકાર કરશે,” એમ ડૉ. પટેલે જણાવ્યું. વિજ્ઞાન રસિકોને આશા છે કે આ ઉપકરણ ગુજરાત અને ભારતમાં સોઇલ હેલ્થ ટેસ્ટિંગનું ભવિષ્ય બદલી નાખશે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
