<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

વિશ્વ આરોગ્ય દિવસ 2025 : "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય"ની થીમ સાથે ગુજરાતની ઉજવણી : માતૃ અને બાળ સ્વાસ્થ્યમાં રાષ્ટ્રીય સ્તરે મોખરે : ફેબ્રુઆરી 2025ની SKOCH સમિટમાં બાળ સ્વાસ્થ્યમાં શ્રેષ્ઠતા માટે ગુજરાતને બે ગોલ્ડ અવૉર્ડ

ગુજરાતે માતૃ મૃત્યુ દરમાં 50% અને શિશુ મૃત્યુ દરમાં 57.41% ઘટાડો કરી રચ્યો ઇતિહાસ : દેશમાં પ્રથમવાર 1.15 કરોડ શાળા વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ : 99.97% સંસ્થાકીય ડિલિવરી સાથે નવો બેન્ચમાર્ક

ગાંધીનગર, : વિશ્વ આરોગ્ય દિવસ 2025ની ઉજવણી 7 એપ્રિલે "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય"ની થીમ સાથે થઈ રહી છે, અને ગુજરાતે આ થીમને સાકાર કરીને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર સ્થાન મેળવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત”ના વિઝનને અનુસરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યની દરેક માતા અને બાળકને જન્મથી જ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની દિશામાં નોંધપાત્ર પગલાં ભર્યાં છે. આ પ્રયાસોને કારણે ગુજરાતે માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દરમાં ઐતિહાસિક ઘટાડો હાંસલ કર્યો છે, જે વિશ્વ આરોગ્ય દિવસની થીમ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
 
ગુજરાત સરકારે માતૃ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને માતૃ મૃત્યુ દર (MMR)માં 50%નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. 2011-13માં આ દર 112 હતો, જે 2020ના ડેટા અનુસાર ઘટીને 57 પર આવ્યો છે. રાજ્યમાં દર વર્ષે 14 લાખથી વધુ સગર્ભા મહિલાઓને સમયસર તપાસ, રસીકરણ અને પોષણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સફળતા પાછળ 121 ફર્સ્ટ રેફરલ યુનિટ્સ (FRUs), 153 બ્લડ સ્ટોરેજ યુનિટ્સ અને 20 મૅટરનિટી આઈસીયુનું મજબૂત નેટવર્ક મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આના પરિણામે, ગુજરાતે 99.97% સંસ્થાકીય ડિલિવરી દર હાંસલ કરીને દેશમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, જે માતૃત્વને સુરક્ષિત બનાવવાની દિશામાં મોટી સિદ્ધિ છે.
 
ગુજરાત સરકાર ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) હેઠળ 2030 સુધી શિશુ મૃત્યુ દર (IMR)ને એક અંકમાં લાવવાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. 2005માં 1,000 જન્મ દીઠ 54 હતો તે શિશુ મૃત્યુ દર 2020માં ઘટીને 23 થયો છે, જે 57.41%નો ઘટાડો દર્શાવે છે. આ સફળતા હોમ-બેઝ્ડ ન્યુબોર્ન કેર (HBNC), હોમ-બેઝ્ડ યંગ ચાઇલ્ડ કેર (HBYC), SAANS અને સ્ટોપ ડાયેરિયા જેવા કાર્યક્રમોનું પરિણામ છે. રાજ્યમાં 58 સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ્સ (SNCU), 138 ન્યુબોર્ન સ્ટેબિલાઇઝેશન યુનિટ્સ (NBSU) અને 1,083 ન્યુબોર્ન કેર કોર્નર્સ (NBCC)નું નેટવર્ક નવજાત શિશુઓની સંભાળમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. 2019થી 2023 દરમિયાન ગુજરાતે નવજાત શિશુઓની તપાસ, જન્મજાત વિકૃતિઓની ઓળખ અને સંચાલનમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ગુજરાતની SH-RBSK (શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) યોજના હેઠળ દર વર્ષે 992 મોબાઇલ હેલ્થ ટીમો અને 28 જિલ્લા પ્રારંભિક હસ્તક્ષેપ કેન્દ્રો દ્વારા 1.61 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ થાય છે. જાન્યુઆરી 2025 સુધીમાં આ યોજના હેઠળ 206 કિડની, 37 લીવર અને 211 બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 20,981 બાળકોને કિડની, 11,215ને કેન્સર અને 1,67,379ને હૃદય રોગની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે. "બ્રેકિંગ ધ સાયલન્સ" ઝુંબેશ હેઠળ ₹228 કરોડના ખર્ચે 3,260 બાળકોને કૉક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી દ્વારા શ્રવણશક્તિ પાછી અપાઈ છે. આ પ્રયાસોને ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં યોજાયેલી SKOCH 100 સમિટમાં બે ગોલ્ડ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જેણે શાળા વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કર્યા છે. અત્યાર સુધી 1.15 કરોડથી વધુ કાર્ડ વિતરિત થયા છે, જેમાં દરેક બાળકની આરોગ્ય તપાસ અને સારવારની વિગતો સામેલ છે. આ ડિજિટલ પહેલ બાળકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ગુજરાતે 2019-2023 દરમિયાન નવજાત શિશુઓની આરોગ્ય સેવાઓ અને જન્મજાત વિકૃતિઓના સંચાલનમાં મોટા રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
 
વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ગુજરાતે આ દિશામાં નવીન પહેલો દ્વારા દેશને દિશા બતાવી છે. માતૃ અને બાળ સ્વાસ્થ્યમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રહીને ગુજરાતે સાબિત કર્યું છે કે સ્વસ્થ શરૂઆત ખરેખર આશાસ્પદ ભવિષ્યનો પાયો બની શકે છે. આ સિદ્ધિઓ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને નાગરિકોના સહયોગનું પરિણામ છે, જે ભવિષ્યમાં પણ આરોગ્ય ક્ષેત્રે નવા ધોરણો સ્થાપિત કરશે, તેમ ગુજરાત માહિતી ખાતાની એક યાદીમાં જણાવાયું છે.

 

(2:43 PM IST)