News of Sunday, 6th April 2025
વડોદરામાં હિટ એન્ડ રનમાં નિવૃત પોલીસ જવાનના પુત્રનું મોત
નિવૃત્ત એએસઆઇ ચીમનભાઇ પરમારનો પુત્ર શનિ નોકરીએથી પરત ફરતો હતોઃ કપુરાઇ અને વાઘોડીયા બ્રીજની વચ્ચે અજાણ્યા વાહને અડફેટે લીધેલ

વડોદરાઃ વડોદરા શહેરના કપુરાઇ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ કપુરાઈ-વાઘોડિયા ચોકડી વચ્ચે ગોઝારો હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બાઈક પર સવાર થઇ નોકરી પરથી પરત ફરતા નિવૃત્ત પોલીસ જવાનના પુત્રને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
આ અંગે મળેલી માહિતી મુજબ, વર્ષ 2019માં વડોદરા જિલ્લા પોલીસ વિભાગમાંથી એએસઆઈ તરીકે નિવૃત્ત થયેલા ચીમનભાઈ પરમાર શહેરના કપૂરાઈ વિસ્તારમાં અક્ષર ટેનામેન્ટમાં રહે છે. તેમનો 35 વર્ષીય પુત્ર શનિકુમાર પરમાર જે ડીઝલ મિકેનિક તરીકે મકરપુરાની એક ખાનગી કંપનીમાં કામ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. શનિકુમાર પરમાર રાબેતા મુજબ બાઈક લઈ મકરપુરા નોકરી પર ગયો હતો.
શનિકુમાર નોકરી પર ફરજ પૂર્ણ કરી બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી અમદાવાદ તરફના માર્ગ ઉપર કપુરાઈ અને વાઘોડિયા બ્રિજની વચ્ચે પુરઝડપે આવી રહેલ અજાણ્યા વાહને શનિકુમારની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં શનિકુમારને માથાના ભાગે ગંભીર ઈર્જાઓ પહોંચી હતી. તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. જ્યાં ફરજ પરના તબીબોએ શનિને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે કપૂરાઈ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
