<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

હીટવેવના પગલે કચ્છમાં રેડ એલર્ટ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ

આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના: તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે

ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થયો હતો અને આગામી 7થી 10 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગ ઝરતી ગરમી પડી શકે છે. આવતીકાલે 7 એપ્રિલના રોજ કચ્છમાં તીવ્ર હીટવેવના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. ત્યારબાદના બે દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની શક્યતા છે.

આવતીકાલે 7 એપ્રિલના રોજ હીટવેવના પગલે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ અને જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.

8 અને 9 એપ્રિલના રોજ કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના છે. જેના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે. જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 10 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના છે. જેના કારણે યલો એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં માટે હીટવેવની આગાહી પણ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 અને 7 એપ્રિલના રોજ કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીઅનુભવાઈ શકે છે. જ્યારે 8 અને 9 એપ્રિલના રોજ કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું અને 10 એપ્રિલના રોજ અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તવાની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં 6 એપ્રિલથી 10 એપ્રિલ છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના છે. એટલે કે આ સમયગાળામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાઈ શકે છે.

6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગરમીથી બચવા માટે બપોરના સમયે તડકામાં બહાર નીકળવાનું ટાળવું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને હળવા રંગના કપડાં પહેરવા જેવા ઉપાયો ગરમીથી રાહત અપાવી શકે છે. વિશેષ કરીને બાળકો અને વૃદ્ધોને ગરમીથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.

(7:41 PM IST)