News of Sunday, 6th April 2025
અમદાવાદમાં જીવરાજ પાર્ક રહેણાંક મકાનમાં ACના ગોડાઉનમાં બ્લસ્ટ બાદ ભીષણ આગ: 2 લોકોના મોત
આસપાસ પાર્ક કરેલા અનેક વાહનો આગની લપેટમાં :એક પછી એક બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ : ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે : ધારાસભ્ય અમિત ઠાકર પણ પહોંચ્યા

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક આવેલી જ્ઞાનદા સોસાયટીમાં આજે એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આ મકાનમાં મોટી સંખ્યામાં એર કન્ડીશનર (AC)ના ગેસના બાટલાઓ રાખવામાં આવ્યા હતા, જેમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એક પછી એક ગેસના બાટલાઓ જોરદાર ધડાકા સાથે ફૂટવા લાગ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસ પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. આ બનાવમાં માતા-પુત્રના ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યાં છે.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં એક રહેણાક મકાનમાં એસીના ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા. ગેસના બાટલામાં આગ લાગ્યા બાદ એકપછી એક બાટલા ફૂટ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ અમદાવાદના અલગ અલગ ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
આગનું ભીષણ રૂપ જોઇ 10 જેટલી ફાયર વિભાગની ગાડીઓ મોકલવામાં આવી હતી.પ્રહલાદનગર અને નવરંગપુરા ફાયર સ્ટેશનના ફાયર ફાયટરો તાત્કાલિક પહોંચી ગયા હતા. એટલું જ નહીં, જમાલપુરની ફાયર ટીમ પણ બનાવ સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસોમાં જોડાઈ હતી. ગોડાઉન પાસે પાર્ક કરેલા વાહનોમાં પણ આગ લાગી હતી.
આગના પગલે થોડો સમય અફરાતફરી મચી હતી. આ ઘટનાની જાણ થતાં જ વેજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર માતા અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, અને સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ લાગવાના કારણો તેમજ અન્ય પાસાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્ઞાનદા સોસાયટીના આ મકાનમાં એસીના ગેસના નાના બાટલાઓનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા આ બાટલાઓ એક પછી એક ફૂટવા લાગ્યા હતા. ગેસના બાટલાઓ ફૂટવાના કારણે તે હવામાં ઉછળ્યા હતા અને આસપાસના મકાનોની બારીઓ સાથે અથડાતા કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી. પોલીસ હાલમાં આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
