<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

અમદાવાદનું પ્રખ્યાત માણેકચોકનું ખાણી-પીણી બજાર આવતીકાલ રાતથી ફરીથી ધમધમતુ થશે

ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશનની કામગીરીને ધ્યાનમાં રાખીને ગત 5 માર્ચથી એક મહિના માટે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો

અમદાવાદમાં રાતના સમયે ભોજન માટેનું લોકપ્રિય સ્થાન એવું પ્રચલિત માણેકચોકનું ખાણી-પીણી બજાર આવતીકાલ એટલે કે 7 એપ્રિલના રાતથી ફરીથી ધમધમતુ થઈ જશે.

હકીકતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશનની કામગીરીને ધ્યાનમાં રાખીને ગત 5 માર્ચથી એક મહિના માટે માણેકચોકનું ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

50 વર્ષ પહેલા નાંખવામાં આવેલી ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશનની કામગીરી કરવા માટે જ્યાં ખાણી-પીણી બજાર છે, ત્યાં ભારે મશીનરી મૂકવી પડે તેમ હતી. આ માટે વેપારીઓએ સહકાર આપીને એક મહિના માટે રાત્રિ દરમિયાન ચાલતું બજાર બંધ રાખ્યું હતુ. જો કે હવે નવી ડ્રેનેજ લાઈનનું કામકાજ પુરુ થઈ ગયું છે અને જ્યાં ખોદવામાં આવ્યું હતુ, ત્યાં રોડ રીસરફેસ પણ કરી દેવામાં આવ્યો છે. આથી આવતીકાલથી ફરીથી આ બજાર શરૂ થઈ જશે.

જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના માણેકચોકનું ઐતિહાસિક મહત્ત્વ છે. જ્યાં 24 કલાક લોકોની ચહલ પહલ જોવા મળે છે. માણેક ચોકમાં દિવસે ફળો, શાકભાજી, કપડા અને સોના-ચાંદીનું બજાર ધમધમે છે. જ્યારે રાતે ખાણીપીણીનું બજાર ધમધમે છે. આ માણેક ચોકનું રાત્રિ બજાર અમદાવાદની આગવી ઓળખ બની ગયું છે.

(8:59 PM IST)