News of Monday, 7th April 2025
હીટવેવનો સામનો : ખેડૂતોએ ખેતી અને પશુપાલનમાં રાખવી આ સાવચેતીઓ
ખેતી નિયામકની કચેરીએ જારી કરી માર્ગદર્શિકા : પાક અને પશુઓને ગરમીથી બચાવવા પગલાં સૂચવ્યાં

ગાંધીનગર, રાજ્યમાં હીટવેવ અને તાપમાનનો પારો ઊંચો જતાં ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે સાવચેતીનાં પગલાં જાહેર કર્યાં છે. ગરમીની આકરી અસરથી પાક અને પશુઓને બચાવવા માટે ખેડૂતોને ખેતીની પ્રવૃત્તિઓમાં ખાસ કાળજી રાખવા સૂચન કરાયું છે. આ માર્ગદર્શિકા ખેડૂતોને ઉભા પાકની જાળવણી અને પશુઓના આરોગ્ય માટે મદદરૂપ થશે.
પાકને ગરમીથી બચાવવા આ પગલાં:
ખેતી નિયામકે જણાવ્યું કે ખેડૂતોએ ઉભા પાકને હળવું અને વારંવાર પિયત આપવું જોઈએ. પિયત માટે વહેલી સવાર અને સાંજનો સમય પસંદ કરવો, જેથી ગરમીની અસર ઓછી થાય. જમીનમાં ભેજ જાળવવા પાકના અવશેષો, પોલીથીન કે માટીથી આચ્છાદન કરવું ફાયદાકારક રહેશે. ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીનો સચોટ ઉપયોગ થશે. શાકભાજીના ખેતરોમાં ઊંચા તાપમાનથી બચાવવા નીંદણ ન કરવું અને બપોરના કલાકોમાં ખેતીની પ્રવૃત્તિઓ બંધ રાખવી જરૂરી છે.
પશુઓની સંભાળ માટે સૂચનો:
પશુઓને ગરમીથી બચાવવા માટે તેમને છાંયડામાં રાખવા અને વારંવાર ચોખ્ખું તથા ઠંડું પાણી પીવડાવવું જોઈએ. ખોરાકમાં લીલું ઘાસ અને ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો, પરંતુ ઓછી ગરમીના કલાકોમાં જ ચરાવવા લઈ જવું. બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા કે ખોરાક આપવાનું ટાળવું, જેથી તેમના સ્વાસ્થ્ય પર અસર ન પડે.
ખેડૂતો માટે સલાહ:
ખેતી નિયામકની કચેરીએ ખેડૂતોને આગ્રહ કર્યો છે કે આ સૂચનોનું પાલન કરવાથી ગરમીની મોસમમાં પાકનું નુકસાન અને પશુઓની હાલત બગડતી અટકશે. નિષ્ણાતોનું માનવું છે કે હીટવેવની અસર ઘટાડવા આ પગલાં અસરકારક સાબિત થશે. ખેડૂતોને આ માટે જાગૃત રહેવા અને સમયસર કામગીરીનું આયોજન કરવા અપીલ કરાઈ છે. (આલેખન - નિતિન રથવી)
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
