<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

સરકારના આંગણે જ ફાયર સુરક્ષાના નિયમોનું પાલન નહિઃ જુના સચિવાલયમાં આગનું જોખમ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૮ :.. ગાંધીનગર ખાતે આવેલ જુના સચિવાલય જેને બળવંતરાય મહેતા ભવન તરીકે ઓળખવામાં આવે છે. આ જુના સચિવાલય ખાતે મોટા ભાગના વિભાગોની પેટા કચેરીઓ આવેલ છે.

આ જુના સચિવાલયમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ થી ચાર વખત આગ લાગવાના બનાવો બન્‍યા છે. પરંતુ ફાયર સેફટી રાખવામાં આવી નથી. આ ફાયર સેફટી ન હોવાની રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અંગે આ બિલ્‍ડીંગો જુના છે તેમ કહી ફાયર સેફટીની વાતને આગળ ધરી જવાબદારી રાખવાની વાત હોય તેમ જણાય છે.

રાજકોટ, સુરત અને બનાસકાંઠાના બનેલા આગના બનાવો જેના કારણે અનેક લોકોએ જાન ગુમાવ્‍યા છે ત્‍યાં ફાયર સેફટીના આદેશો કરવામાં આવ્‍યા છે. પરંતુ રાજયના તમામ જિલ્લાઓની નાની-મોટી કચેરીઓ જુના સચિવાલયમાં આવેલ છે ત્‍યાં ફાયર સેફટીના અભાવ દેખાઇ રહ્યા છે.જુના સચિવાલય ખાતે આવેલ કચેરીઓમાં વાયરીંગ પણ જુના છે તેને લીધે આગના બનાવો-વધતા ગયા હોવાનું દેખાઇ રહ્યું છે. જુના સચિવાલયમાં આવેલ સરકારી કચેરીઓમાં બનતા આગના બનાવોથી કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

એક તરફ રાજય સરકાર શાળા, કોલેજો, કોમર્શીયલ સ્‍થળો જયાં લોકોની અવરજવર વધારે થતી હોય તેવી જગ્‍યાએ ફાયર સેફટી તાત્‍કાલીક રાખવા તાકીદ કરવામાં આવી છે. જયારે બીજી તરફ જુના સચિવાલયમાં ફાયર સેફિટનો અભાવ દેખાઇ રહ્યો છે. આ મામલે ફાયર બ્રિગેડ દ્વારા તંત્રને ફાયર સેફટીના સાધનો વસવી લેવા જાણ કરવામાં આવી છે. ઉપરાંત આ સાધનો લાગી ગયા બાદ જરૂરી એનઓસી લેવા પણ સંબધિત તંત્રને જાણ કરવામાં આવી છે. હવે એ જોવાનું રહ્યું કે, આ જુના સચિવાલયમાં ફાયર સેફીટનો કડક અમલ કયારે કરવામાં આવશે.

(2:45 PM IST)