તા. ૨૦ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧ શુક્રવાર
News of Tuesday, 8th April 2025
રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સરળતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મહત્ત્વના નિર્ણયો : પ્રજાલક્ષી દરોમાં ઘટાડો : 10 એપ્રિલ 2025થી અમલ
સામાન્ય નાગરિકો અને મિલકતધારકોને રાહત આપવા સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો : નવી જોગવાઈઓ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમમાં મહત્ત્વના સુધારા કર્યા છે. આ સુધારાઓમાં સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં પ્રજાલક્ષી ઘટાડો કરીને સામાન્ય નાગરિકો અને મિલકતધારકોને સરળતા આપવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ નવી જોગવાઈઓ રાજ્યમાં 10 એપ્રિલ, 2025થી અમલમાં આવશે, જેનાથી વહીવટી પ્રક્રિયાઓ સુગમ બનશે અને નાગરિકોને આર્થિક રાહત મળશે.
વડીલોપાર્જિત મિલકતના હક્ક કમી માટે માત્ર 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી:
મહેસૂલ વિભાગે કરેલા સુધારા મુજબ, વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા હક્ક કમીના દસ્તાવેજો માટે હવે માત્ર 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. આ નિર્ણયથી પરિવારોને આર્થિક બોજ ઘટશે અને મિલકતના વારસાગત હક્કોની પ્રક્રિયા સરળ બનશે. આ ઉપરાંત, કાયદાકીય વિવાદો અને અર્થઘટનના પ્રશ્નોમાં પણ ઘટાડો થવાની આશા છે.
લોન પર સ્ટેમ્પ ડ્યુટીની મર્યાદા:
રાજ્ય સરકારે લોન સંબંધિત સ્ટેમ્પ ડ્યુટીમાં પણ રાહત આપી છે. હવે 1 કરોડ રૂપિયા સુધીની લોનની રકમ પર મહત્તમ 5,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. જ્યારે 10 કરોડથી વધુની લોન માટે ગીરો અથવા હાઇપોથીકેશનના દસ્તાવેજો પર હાલની 8 લાખની મર્યાદાને વધારીને 15 લાખ કરવામાં આવી છે. જો એકથી વધુ બેંકો પાસેથી લોન લેવામાં આવે તો સરચાર્જ સિવાય મહત્તમ 75 લાખ સુધીની ડ્યુટી લાગુ પડશે. આનાથી હાઉસિંગ લોનધારકો અને ઉદ્યોગકારોને નાણાકીય રાહત મળશે.
વધારાની જામીનગીરી અને ભાડાપટ્ટા માટે નિશ્ચિત ડ્યુટી:
વધારાની જામીનગીરીના કિસ્સામાં હવે ફિક્સ 5,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. આ ઉપરાંત, એક વર્ષથી ઓછા સમયના ભાડાપટ્ટા માટે રહેણાંક મિલકતો પર 500 રૂપિયા અને વાણિજ્યિક મિલકતો પર 1,000 રૂપિયાની નિશ્ચિત ડ્યુટી નક્કી કરવામાં આવી છે. આ પહેલાં આવા દસ્તાવેજો પર વાર્ષિક ભાડાના 1%ની ડ્યુટી લાગુ પડતી હતી. આ નવી વ્યવસ્થાથી ભાડૂઆતો અને મિલકતધારકોને સરળતા મળશે.
ડ્યુટી ચોરી પર કડક નિયમો:
સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અટકાવવા માટે પણ નવી જોગવાઈઓ કરવામાં આવી છે. જો અરજદાર સ્વેચ્છાએ ખૂટતી ડ્યુટી ભરવા આવે તો દસ્તાવેજની તારીખથી માસિક 2%ના દરે, મહત્તમ ચાર ગણી રકમ વસૂલાશે. જો તંત્ર દ્વારા ચોરી પકડાય તો માસિક 3%ના દરે, મહત્તમ છ ગણી રકમ દંડ તરીકે લેવાશે. ગીરોના કિસ્સામાં જો બેંકો કે નાણાકીય સંસ્થાઓ ડ્યુટી ભરાવવામાં નિષ્ફળ જશે તો તેમની જવાબદારી નક્કી કરાશે. ઉપરાંત, અસલ દસ્તાવેજ ન હોય તો પણ નકલ પરથી ડ્યુટી વસૂલી શકાશે.
ઉદ્યોગકારો અને નાગરિકોને રાહત:
આ સુધારાઓ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958 હેઠળ કરવામાં આવ્યા છે અને તે મૂળ ડ્યુટી માટે લાગુ પડશે, જેમાં કાયદા મુજબ વધારાનો સરચાર્જ પણ ઉમેરાશે. આ નિર્ણયોનો ઉદ્દેશ ઉદ્યોગકારો અને હાઉસિંગ લોનધારકોનો નાણાકીય બોજ ઘટાડવાનો છે. સાથે જ, વડીલોપાર્જિત મિલકતોના હક્ક કમીના કિસ્સામાં અર્થઘટનના પ્રશ્નો અને કોર્ટના વિવાદો ઘટાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પગલાંથી રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની પ્રક્રિયા વધુ પારદર્શી અને લોકોપયોગી બનશે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
