News of Tuesday, 8th April 2025
આદ્યશક્તિ ધામ અંબાજી બન્યું યુવા નારીશક્તિના ખેલ - કૌશલ્યનું કેન્દ્ર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો : 28 રાજ્યોની 550થી વધુ બહેનો સહભાગી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નવા ભારતની નારીશક્તિનું પ્રદર્શન : 41.50 લાખના ઈનામોની જાહેરાત

અંબાજી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો અને જણાવ્યું કે આ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી નેતૃત્વમાં નવા યુગના નવા ભારતની ઝાંખી રજૂ કરે છે. આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોમાંથી 550થી વધુ યુવા નારી તિરંદાજો ત્રણ કેટેગરીમાં ભાગ લઈ રહી છે. રાજ્ય સરકારે વિજેતાઓ માટે કુલ 41.50 લાખ રૂપિયાના ઈનામો જાહેર કર્યા છે. આ આયોજન રમતગમત અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે.
નારીશક્તિના કૌશલ્યને નિખારવાનો પ્રયાસ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશમાં નારીશક્તિના કૌશલ્યને નિખારવા ખેલકૂદ ઉપરાંત ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને નવીનતાના ક્ષેત્રોમાં પણ અવસરો પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે તીર-કામઠાને ખેલ-કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓનું પ્રોત્સાહન કરતાં કહ્યું કે, ગુજરાતે ખેલ મહાકુંભનું આયોજન કરીને મહિલા ખેલાડીઓ સહિત રાજ્યની પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખીલવાની તક આપી છે. તેમણે ગુજરાતની પ્રખ્યાત ખેલ પ્રતિભાઓ સરિતા ગાયકવાડ, પેરા એથ્લિટ ભાવિના પટેલ, આર્ચરીમાં ભાર્ગવી ભગોરા અને મૈત્રી પઢિયારનો ખાસ ઉલ્લેખ કરીને રાજ્યનું ગૌરવ વધારનારી દીકરીઓની સિદ્ધિઓની પ્રશંસા કરી.
સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રબબાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ઉભરતાં ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તાલીમ અને અદ્યતન સાધનોની સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડી રહી છે. રાજ્યના 32 જિલ્લાઓમIfાં બિનનિવાસી સેન્ટર ઓફ એક્સેલન્સ, 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ડીએલએસએસ દ્વારા ઉત્કૃષ્ટ તાલીમ આપવામાં આવે છે. અંબાજીમાં 200થી વધુ ખેલાડીઓ આર્ચરીની તાલીમ લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં સુગઠિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે અને આર્ચરી સહિતની રમતોમાં ખેલાડીઓ ઓલિમ્પિક્સ-2036માં ભાગ લઈ શકે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
પ્રવાસન અને નારી સશક્તિકરણને પ્રોત્સાહન:
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રિ બાદ શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ સ્થળ અંબાજી ખાતે આ સ્પર્ધા નારીશક્તિ અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની છે. રાજ્ય સરકાર યુવા પેઢીને પ્રવાસન અને તીર્થ સ્થળો તરફ આકર્ષવા તથા સ્પોર્ટ્સ ટુરિઝમને વેગ આપવા પોલો ફોરેસ્ટ, ધરોઈ, પાવાગઢ, અંબાજી અને ગીરમાં એડવેન્ચર સ્પોર્ટ્સનું આયોજન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 51 શક્તિપીઠની પરિકલ્પનાને સાકાર કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવાઓ મજબૂત કરવા 475.30 લાખના ખર્ચે 25 નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું, જે 20 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 4 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 1 સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફાળવવામાં આવશે.
માં અંબાના દર્શન અને ખેલાડીઓ સાથે સંવાદ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી. તેમણે ખેલાડીઓ સાથે સીધો સંવાદ સાધી તેમને શુભેચ્છાઓ પાઠવી. 2024 પેરા-ઓલિમ્પિક્સમાં દેશને ગૌરવ અપાવનાર અને અર્જુન એવોર્ડ વિજેતા પેરા-તિરંદાજ શીતલ દેવીએ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યો અનિકેત ઠાકર, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો હાજર રહ્યા.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
