<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

કોંગ્રેસના નેતાઓને પોતાના કાર્યકર્તા અને કાર્યકર્તાઓને નેતાઓ પર ભરોસો નથી: વિજયભાઈ રૂપાણીના ચાબખા

અમદાવાદના રાંચરડા સ્થિત ઈન્ડસ યુનિવર્સિટીમાં 'એક રાષ્ટ્ર-એક ચૂંટણી'ને લઈને એક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો સમક્ષ દેશમાં 'વન નેશન, વન ઈલેક્શન' કેમ જરૂરી છે? તે મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા

અમદાવાદના રાંચરડા સ્થિત ઈન્ડસ યુનિવર્સિટીમાં 'એક રાષ્ટ્ર-એક ચૂંટણી'ને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો સમક્ષ દેશમાં 'વન નેશન, વન ઈલેક્શન' કેમ જરૂરી છે? તે મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીએ અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના અધિવેશન પર કટાક્ષ કર્યો હતો.

આજે અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે. જેમાં પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા અને ભાવિ રણનીતિ ઘડવા માટે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ ભાગ લેવા આવી પહોંચ્યા છે, ત્યારે વિજય રૂપાણીએ કોંગ્રેસના અધિવેશન અંગે જણાવ્યું કે, કોઈ પણ પાર્ટી પોતાનું અધિવેશન યોજે, તે સ્વાભાવિક છે. ખતમ થઈ ગયેલી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ચૂકી છે.

વધુમાં 'એક દેશ, એક ચૂંટણી'ની તરફેણ કરતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશની લોકશાહી વધારે મજબૂત બને, તે માટે સમગ્ર દેશમાં એકસાથે જ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાય તે જરૂરી છે. અલગ-અલગ ચૂંટણી યોજાતી હોવાથી ખર્ચા વધી જાય છે. આટલું જ નહીં, વારંવાર લાગતી આચાર સંહિતાના કારણે વિકાસના કામો અટકી જાય છે. જો પાંચ વર્ષમાં એક જ વાર તમામ ચૂંટણી યોજાય, તો ખર્ચાઓ મહદઅંશે ઘટી જાય. આજ કારણોસર મોદી સરકાર દ્વારા આ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

(9:52 PM IST)