News of Tuesday, 8th April 2025
નાગાલેન્ડ અને મિઝોરમમાંથી લાયસન્સ મેળવી હથિયારોનું વેચાણ કરતી ટોળકી ઝડપાઈ: તપાસમાં ચોંકાવનારા ખુલાસા
નાગાલેન્ડ અને મણીપુરના હથિયાર લાયસન્સો બનાવી હરિયાણાથી હથિયારો મેળવવાનું કૌભાંડ: મુખ્ય સૂત્રધાર અને ગુજરાતના એજન્ટોની ધરપકડ

અમદાવાદ :હથિયાર રાખવા માટે અલગ અલગ રીતે અથવા તો ગેરકાયદેસર રીતે હથિયાર ખરીદી કરે છે, ત્યારે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં રાજ્ય બહારના ખાસ કરીને નાગાલેન્ડ અને મણીપુરના હથિયાર લાયસન્સો બનાવી તેના આધારે હરિયાણાથી હથિયારો મેળવવાનું કૌભાંડ શરૂ થયું હતું. જેની માહિતી મળતા ગુજરાત એટીએસ તેમજ અન્ય એજન્સીઓએ સાથે મળી આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને ગુજરાતના એજન્ટોની ધરપકડ કરી છે. એટીએસ દ્વારા ગુજરાતના સાત જેટલા લોકોની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
એટીએસની તપાસમાં સામે આવ્યું કે ગુજરાતના વિશાલ પંડ્યા, ધ્વનિત મહેતા, અર્જુન અલગોતર, ધૈર્ય જરીવાલા, સેલાભાઈ ભરવાડ, મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા સહિતના એજન્ટો હરિયાણાના નુહમાં આવેલી બંદૂકની દુકાન ધરાવતા સોકત અલી, ફારૂક અલી અને આસિફ સહિતના લોકોના સંપર્કમાં હતા. જે લોકો મણીપુર અને નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સ બનાવડાવી પોતાની હથિયારની દુકાનોમાંથી હથિયાર વહેંચતા હતા. હરિયાણાના દુકાન ધારકો સૌકત અલી અને તેના અન્ય લોકો ગુજરાતના એજન્ટો દ્વારા અનેક લોકોને હથિયાર લાયસન્સ તેમજ હથિયાર અપાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા છ વર્ષમાં ગુજરાતના અનેક લોકોએ નાગાલેન્ડ અને મણીપુર રાજ્યના ખોટા હથિયાર લાયસન્સો બનાવડાવી હરિયાણાથી હથિયારો ખરીદ્યા છે. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સુરત ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, બોટાદ અને મોરબી જિલ્લાની ટીમ દ્વારા જે તે જિલ્લાના અલગ અલગ લોકોને પૂછપરછ કરી તપાસ શરૂ કરી હતી, જેમાં સામે આવ્યું કે 49 જેટલા લોકોએ ગુજરાતના આ સાતેય એજન્ટો પાસેથી બોગસ હથિયારો અને લાઇસન્સ ખરીદ્યા છે. આ ઉપરાંત અન્ય 52 જેટલા લોકોએ પણ આ જ રીતે હથિયારો ખરીદ કરી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતની આ ગેંગ હથિયાર ખરીદનાઓનો સંપર્ક કરતી હતી અને 7 થી 20 લાખ સુધીમાં હથિયાર લાયસન્સ તેમજ હથિયાર આપતી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે હરિયાણામાં હથિયારની દુકાન ધરાવનાર સોકત અલી અને અન્ય લોકો છેલ્લા છ વર્ષથી ગુજરાતમાં રહેતા લોકોને ખોટા હથિયાર લાયસન્સ નાગાલેન્ડ અને મણીપુરમાંથી બનાવડાવતા હતા અને આ ત્રણેય દ્વારા ખોટા હથિયાર લાયસન્સ ધરાવતા લોકોને રિવોલ્વર, પિસ્તોલ, બાર બોર ગન અને કારતુસ પણ વેચતા હતા. ખોટા હથિયાર લાયસન્સના આધારે હથિયાર ખરીદનાર ગુજરાતના લોકોએ આ હથિયારો મેળવી ગુજરાતમાં ફરતા હતા. સમગ્ર કેસની તપાસ માટે એટીએસની અલગ અલગ ટીમો નાગાલેન્ડ, મણીપુર અને હરિયાણા ખાતે પહોંચી હતી. જ્યાંથી કુલ 6 હથિયારો અને 135 રાઉન્ડ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે અને સમગ્ર કેસની ફરિયાદ અને તપાસ નોંધવામાં કરવામાં આવી છે.
અત્યાર સુધી મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી બોગસ હથિયાર લાયસન્સ થકી હથિયાર મેળવનારા 49 જેટલા લોકોની સંડોવણી ખુલી છે, જે તમામ લોકોએ એટીએસએ પકડેલા સાત આરોપીઓ પાસેથી બોગસ હથિયાર લાયસન્સ અને હથિયાર મેળવ્યા છે. આ ઉપરાંત અન્ય 52 જેટલા લોકો સહિત કુલ 108 જેટલા વ્યક્તિઓ સામે શંકાસ્પદ રીતે હથિયારો અને લાઇસન્સ મેળવ્યાને આધારે તેમના નિવેદન અને પૂછપરછની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા હથિયાર મેળવવા કે ખોટા હથિયાર લાયસન્સ બનાવવા માટે અન્ય લોકોના નામે ઇસ્યુ થયેલા હથિયાર લાયસન્સમાં ચેડા કરવામાં આવતા કે પછી જૂના હથિયાર લાયસન્સના રેકોર્ડમાં ચેડા કરી અલગ અલગ રીતે ગુજરાતના લોકોના નામના હથિયાર લાયસન્સ બનાવવામાં આવતા હતા અને જેના આધારે હરિયાણામાંથી હથિયાર ખરીદી કરવામાં આવતી હતી. ગુજરાતના તમામ લોકોને એજન્ટો હરિયાણાના સોકત અલી અને તેમના અન્ય લોકોના સંપર્કમાં હતા. ગુજરાતના એજન્ટો દ્વારા હરિયાણાના હથિયારની દુકાન ધરાવતા લોકોનો સંપર્ક કરવામાં આવતો અને ડોક્યુમેન્ટ આપવામાં આવતા, જે બાદ હરિયાણાના હથિયારના વેપારી મણીપુરના એજન્ટોના સંપર્કમાં હતા જેના થકી તે બોગસ લાયસન્સ બનાવડાવતા હતા.
હાલ તો એટીએસ દ્વારા સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ સાત એરોપીઓ ગુજરાતના એજન્ટ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી વિશાલ પંડ્યા કે જે અગાઉ કોલ સેન્ટર ચલાવતો હોવાનું પણ પોલીસને તપાસમાં સામે આવ્યું છે. હરિયાણાનો હથિયારનો વેપારી સોકત અલી વિશાલ પંડ્યાનો ડ્રાઇવર હોવાની પણ માહિતી સામે આવી છે, ત્યારે હવે એટીએસ અને અન્ય એજન્સીઓ દ્વારા 108 જેટલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે અને હજી પણ ગુજરાતમાં અન્ય રાજ્યોના લાયસન્સ હેઠળ હથિયાર ખરીદનાર લોકોની પણ ચકાસણીઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં આ કેસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
