<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

અમદાવાદ ગ્રામ્ય LCBનો સપાટો : 28 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓની ધરપકડ

“સ્વજન બિમાર છે” અથવા “પૈસાની જરૂર છે” જેવી લાચારી બતાવી ગીરવી અથવા “પછીથી કાગળ આપીશું” કહી ભલામણ ઉપર વાહનો વેચી નાખતા

અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી મોટરસાઇકલ ચોરીના બનાવો સતત વધી રહ્યા હતા. પોલીસે આ પ્રકારના વધતા ગુનાઓને ગંભીરતાથી લઇ ટેકનિકલ માધ્યમો, સીસીટીવી ચકાસણી અને હ્યુમનસોર્સના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન હ્યુમન ઈન્ટેલિજન્સમાંથી મળી આવેલા ચોક્કસ ઇનપુટના આધારે જાણવા મળ્યું કે મોટરસાઇકલ ચોરીની ગેંગના ત્રણ શખ્સો ચોરીની બાઈક સાથે તેલાવ-શેલા-ઘુમા-બાયપાસ રોડથી શહેર તરફ પ્રસાર થઈ રહ્યા છે. પોલીસ દ્વારા વોચ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. તેમણે અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લામાં કરવામાં આવેલી કુલ 28 બાઈક ચોરીના ગુનાઓ કબૂલ કર્યા છે. કુલ રૂ.7 લાખથી વધુની કિંમતના વાહનો પોલીસે ઝડપી પાડ્યા છે.

આરોપીઓએ ખાસ કરીને એવા ઓવરબ્રિજ અથવા જાહેર પાર્કિંગને ટાર્ગેટ કરતા હતા, જ્યાં CCTV ના હોય. તેઓ એવા બાઈક પસંદ કરતાં જે સરળતાથી લોકથી ખૂલી જાય. ખાસ કરીને વહેલી સવારે અથવા મોડી રાત્રે આરોપીઓ ચોરીને અંજામ આપતા હતા.

ચોરી બાદ આરોપીઓ આ બાઈક પોતાના ઓળખીતા સગા વાળા “સ્વજન બિમાર છે” અથવા “પૈસાની જરૂર છે” જેવી લાચારી બતાવી ગીરવી અથવા “પછીથી કાગળ આપીશું” કહી ભલામણ ઉપર વાહનો વેચી નાખતા હતા. હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય ગુનાઓ અંગે પણ તપાસ હાથ ધરી છે.

(11:03 PM IST)