<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક :25 હજારની સામે એક લાખ અને 5 હજારની સામે 9 હજાર લીધા: રૂપિયા માટે થઇ હદ વટાવી

ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં વધુ એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. શહેરના ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોરો દ્વારા ફરિયાદીને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો, તેમજ વ્યાજે આપેલા રૂપિયા કરતા વધુ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા.

થોડા સમય પહેલા પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. જોકે છેલ્લા થોડા સમયથી ફરીથી વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં સામે આવ્યો હતો. જમાલપુર વિસ્તારમાં સિંધીવાડ સ્કૂલ પાસે રહેતા અને ડીલીવરી બોય તરીકે કામ કરતા શોબાન મલેકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં શોબાન મલેકે 6 મહિના પહેલા જમાલપુર વિસ્તારમાં વ્યાજનો ધંધો કરતા સલમાન ઉર્ફે પંદરસો નામનાં યુવકનો સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી ₹25,000 વ્યાજે લીધા હતા. સલમાને દરરોજના 600 રૂપિયા વ્યાજ ચૂકવવાની શરતે શોબાનને રૂપિયા આપ્યા હતા. ફરિયાદી શોબાન દરરોજના 600 રૂપિયા લેખે સલમાનના માણસના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરતો હતો અને અમુક સમયે રોકડા આપતો હતો. 

એવી રીતે ફરિયાદી શોબાનએ ₹25,000 ની સામે 70 હજારથી વધુની રકમ ચૂકવી દીધી હતી. એટલું જ નહિ શોબાને સલમાનને 30 હજાર રૂપિયા રોકડા પણ આપ્યા હતા એટલે કે 25000 રૂપિયાની સામે સલમાનને એક લાખ રૂપિયા આપ્યા હતા. જોકે ફરીથી અઢી મહિના પહેલા સોબાનને રૂપિયાની જરૂર પડતા તેને સલમાન પાસેથી 5000 રૂપિયા માંગ્યા હતા ત્યારે સલમાને તેના માણસ અયાન પઠાણ પાસેથી રૂપિયા લેવાનું કહ્યું હતું અને અયાને સોબાનને 5000 રૂપિયા દરરોજના 200 રૂપિયા આપવાની શરતે આપ્યા હતા. સોબાને 45 દિવસ સુધી ₹200 લેખે 9000 રૂપિયા ચૂકવી આપ્યા હતા. સોબાને 25 હજારની સામે એક લાખ અને 5,000 ની સામે 9000 રૂપિયા ભરપાઈ કરી દીધા હતા, જે બાદ પણ સલમાન અને અયાન ફરિયાદી પાસે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને અવારનવાર તેને ધમકીઓ પણ આપતા હતા. 

સલમાન અને અયાન ફરિયાદી શોબાનને માર મારવાની ધમકી આપતા હતા અને થોડા દિવસ પહેલા શોબાન તેના નાનીના ઘરે જતો હતો, ત્યારે અયાન તેના પિતા મુન્નાખાન અને સલમાન દ્વારા ફરિયાદી શોબાનને માર માર્યો હતો અને તેનું અપહરણ કરી તેને ઓફિસ લઈ ગયા હતા, જ્યાં તેને રાખી પાઇપથી માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ સોબાનને તેના ખાતામાંથી સલમાનના ભાઈ જોએબને 14 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ સોબાનને છોડી મૂક્યો હતો. શોબાન દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સલમાન છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરીનો ધંધો કરી રહ્યો છે અને તેના ઉપર અગાઉ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસે સલમાનખાન ઉર્ફે પંદરસો, સાહિલ ઉર્ફે રાજ પાટીલ, અયાન ઉર્ફે સુલતાનભાઈ અને મુન્નાભાઈ સૈયદની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી તેના વિસ્તારમાં જઈને રી કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું તેમજ લોકોને પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતું હોય અથવા તો કોઈ પણ વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે. તેવામાં આરોપીઓનાં ફોનમાં આ રીતે અન્ય લોકો પાસેથી પૈસા પડાવ્યાનાં પુરાવા પડાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે, તેવામાં જોવાનું રહ્યું કે આરોપીની તપાસમાં શુ ખુલાસો થાય છે.

(11:42 PM IST)