<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

સુરતમાં રત્નકલાકરોની સામુહિક હત્યાનું કાવતરૂં કોણે રચ્યું? પાણીમાં ઝેર કોણે ભેળવ્યું ?પોલીસ તપાસમાં મોટો ખુલાસો

ફિલ્ટર કરેલું પાણી પીધા પછી 118 રત્નકલાકારોને ચક્કર આવતા બેભાન: પાણીનાં ફિલ્ટરમાં સેલ્ફોસ મળી આવતાં ગભરાટ ફેલાયો: શંકાસ્પદ જણાતા ચારથી પાંચ કારીગરોની ટીમ દ્વારા પૂછપરછ

સુરતના કાપોદ્રામાં અનભ જ્વેલર્સમાં કામ કરતા રત્નકલાકારો ને મારી નાખવાનું હત્યાનું કાવતરૂં રચવામાં આવ્યું હતું. ફિલ્ટર કરેલું પાણી પીધા પછી અંદાજે 118 રત્નકલાકારોને ચક્કર આવવાતા બેભાન થયા હતા, ઘણાંને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી તેમજ પાણીનાં ફિલ્ટરમાં સેલ્ફોસ મળી આવતાં કારણે ગભરાટ ફેલાયો હતો. જેમાં 6 રત્નકલાકારોને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યાં હતા. પાણીમાં ઝેર ભેળવીને પીવડાવું એ જાણીજોઈને કરવામાં આવ્યું હતું કે અજાણતાં, તે દિશામાં સુરત પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં શામજીભાઈ ગાબાણીનું કારખાનું આવેલું છે. ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે રત્નકલાકારોને અચાનક ચક્કર આવવા લાગ્યાં હતા, તબિયત લથડતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. એક સાથે 118 રત્નકલાકારોને ઝેરી પાણીની અસર થતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આજે સવાર સુધી ઘણા કામદારોને તબિયત સ્થિર હતી તો 6 લોકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે જે જગ્યાએ ફિલ્ટર લગાવવામાં આવ્યું હતું ત્યાં કોઈ CCTV કેમેરા લગાવવામાં આવ્યો નથી. આવું કૃત્ય કારખાનાનાં પરિચિત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાની પોલીસને હાલ શંકા છે. પોલીસ FSL સાથે ટીમ બનાવી અસરગ્રસ્તો અને કારખાનાનાં માલિક સહિતનાં નિવેદનો નોંધશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને એ પણ જાણવા મળ્યું કે કારખાનાંના મેઈન ગેટ પર એક ગ્રીલ હતી, જે બંધ હતી. ત્યારબાદ બે દરવાજામાંથી પ્રવેશ કરી શકાય છે. અંદર આવતાની સાથે જ જમણી બાજુએ બીજી ગ્રીલ છે અને પ્રવેશતાની સાથે જ જમણી બાજુએ પાણીનું ફિલ્ટર છે. ત્યાંથી બીજા દરવાજા દ્વારા કારખાનામાં પ્રવેશી શકાય છે. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ જણાતા ચારથી પાંચ કારીગરોની ટીમ પૂછપરછ કરી છે. અનભ ડાયમંડનાં કારીગરોની યાદી મુજબ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અનભ ડાયમંડનાં ડીલરો અને સબ ડીલરોની પણ તપાસ કરવામાં આવી રહી છે જેના માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં કંઈ નક્કર બહાર આવ્યું નથી. અત્યાર સુધીમાં લગભગ 50 લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.

 

આ ઘટનામાં SMC કમિશ્નર  અને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ઝેરી પાવડર કયા કારણોસર પીવાના પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સઘન તપાસ સાથે કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. પાણીમાં ઝેરી દવા કોને અને કેમ નાંખી તે પ્રશ્નોનો જવાબ શોધવા પોલીસ અને તંત્ર દોડતું થયું છે.

(7:27 PM IST)