<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

અમદાવાદના નારોલ વિશાલા હાઈવે પાસે બાઇક પર આવેલા બે લૂંટારુઓ 10 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર

ઇસનપુરના રહેવાસી અને ડોકોરીચ ફર્નિચરના શો-રૂમમાં કામ કરતા મહેશ સોલંકીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં પોલીસની સતત પેટ્રોલિંગ વચ્ચે પણ લૂંટારૂ લૂંટને અંજામ આપી રહ્યા છે. બે દિવસમાં 23.56 લાખની બે લૂંટના કેસ સામે આવતા સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. તાજી ઘટનામાં નારોલ વિશાલા હાઈવે પાસે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ 10 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ લઈ નાસી છૂટતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઇસનપુરના રહેવાસી અને ડોકોરીચ ફર્નિચરના શો-રૂમમાં કામ કરતા મહેશ સોલંકીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની સાથે કામ કરતા કરણ ચુનારાએ રખિયાલ અને ન્યુ ક્લોથ માર્કેટથી 10 લાખની કલેક્શન લઈને બર્ગમેન સ્કૂટર પર પરત આવતી વખતે નારોલ નજીક બે બાઇકસવારોએ બેગ લૂંટી હતી. લૂંટારાઓ પલ્સર બાઈક લઈને આવ્યા હતા અને તેમના મોંઢા રૂમાલથી ઢાંકી રાખ્યા હતા.

લૂંટારાઓ પૈસાની બેગ લૂંટી જતા કરણ(ભોગ બનનાર) રડી પડ્યો હતો, અને તેણે રડતા રડતા ફોન કરીને મહેશને ઘટના સ્થળે બોલાવ્યો હતો. ત્યાર બાદ તત્કાલ પોલીસને જાણ કરી આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

નારોલથી વિશાલા સુધીના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે લૂંટારૂઓએ કરણને રખિયાલથી પીછો કરેલો હોઈ શકે છે.

આજથી થોડા સમય પહેલા ચિમનભાઈ બ્રિજ પાસે પણ એક્ટિવા પર આવેલા શખ્સોએ રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના રૂ. 13.56 લાખના દાગીનાનો પર્સ લૂંટી ભાગી ગયા હતા.

શહેરમાં વધતી લૂંટની ઘટનાઓ વચ્ચે કેમેરાની હાજરી હોવા છતાં પણ લૂંટારૂ ધોળા દિવસે લાગાતી લૂંટને અંજામ આપી રહ્યા છે એ પોલીસ તંત્ર માટે મોટું પડકાર બની રહ્યું છે.

 

(10:35 PM IST)