News of Friday, 11th April 2025
બહુચરાજીમાં ચૈત્રી પૂનમના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ: મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યૂં
પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પગપાળા સંઘોએ મા બહુચરના દર્શનનો લાભ લીધો

તીર્થધામ બહુચરાજી ખાતે મા બહુચરના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ત્રિ દિવસીય ચૈત્રી પૂનમના ભવ્ય લોકમેળાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પગપાળા સંઘોએ મા બહુચરના દર્શનનો લાભ લીધો હતો. મેળાના બીજા દિવસે શુક્રવારે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવતા માર્ગો યાત્રિકોથી ઉભરાઈ ગયા છે.
કાળઝાળ ગરમી હોવા છતાં મા બહુચરના દર્શનાર્થે પગપાળા નીકળી પડેલા યાત્રિકો માટે બહુચરાજી થી કડી વાયા દેથલી રોડ, મોઢેરા રોડ, બલોલ રોડ, વિરમગામ રોડ, ચાણસ્મા રોડ, હારીજ રોડ, શંખલપુર રોડ પર સેવાભાવી સંસ્થાઓ અને યુવાનો દ્વારા સેવા કેમ્પો ઉભા કરાયા છે. જ્યાં ચા પાણી, નાસ્તો, ઠંડી છાશ, ફળફળાદી તેમજ ભોજન અને આરામ સહિતની સુંદર સુવિધા ઊભી કરવામાં આવી છે.
મેળાનું ઉદઘાટન કર્યા બાદ જિલ્લા કલેકટર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વખતે ગરમીનું પ્રમાણ ઊંચું હોવાથી મંદિર પરિસરમાં કાર્પેટ તેમજ મંડપમાં કુલર અને સ્ક્રિલરની વ્યવસ્થા, લાઈનમાં ઉભેલા યાત્રિકો માટે ઠંડુ પાણી, છાશ સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
રાત્રે 9 વાગે એસટી વર્કશોપ પાસેના મેદાનમાં સાઈરામ દવેના લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પૂનમને શનિવારે બપોરે અને સાંજે યાત્રિકોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત, બહુચરાજીને જોડતા માર્ગ પર પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય કેમ્પ, યાત્રિકોને ઘરે પરત જવા માટે એસટી તેમજ ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.
વાહન પાર્કિંગની વ્યવસ્થા:1) વિરમગામ તરફથી આવતા વાહનો માટે રાધિકા ગેસ્ટ હાઉસની પાછળ ITI ગ્રાઉન્ડ અને એસ્સાર પેટ્રોલ પંપની સામે ટીપી રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં.2) દેથલી તરફથી આવતા વાહનો માટે અક્ષરધામ સોસાયટીની સામે ખુલ્લા પ્લોટમાં કોર્ટની બાજુમાં.3) શંખલપુર તસ્કથી આવતા શંખલપુર રેલ્વે ફાટક નજીક ખુલ્લા મેદાનમાં.4) હારીજ રોડ તરફથી આવતા વાહનો માટે ઉમા આર્કેટની સામે ભરવાડના ખુલ્લા ખેતરમાં.5) કાલરી રોડ તરફથી આવતા વાહનો માટે હરખુબા વાડીની પાછળ સમર્પણ સોસાયટીની આગળની ખુલ્લી જગ્યામાં, રત્ન વાટિકાના કમ્પાઉન્ડની અંદર, ગઢવી સમાજની વાડીની અંદરના ભાગે, શિવમ સોસાયટીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
