News of Sunday, 13th April 2025
નેશનલ ફાયર સર્વિસ ડે 2025 : એકતાનગર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી : ગુજરાતમાં અગ્નિ સુરક્ષા માટે જનજાગૃતિ
‘Unite to Ignite, a Fire Safe India’ થીમ સાથે રાજ્યભરમાં ફાયર સર્વિસના જવાનોની બહાદુરીનું સન્માન : શહેરી વિકાસ વર્ષમાં અગ્નિ નિવારણ પર ખાસ ધ્યાન

એકતાનગર: ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે 14 એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આવતીકાલે ગુજરાતમાં રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. આ દિવસે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોની બહાદુરીને યાદ કરીને અગ્નિ સુરક્ષા અને જનજાગૃતિ પર ભાર મૂકવામાં આવશે. વર્ષ 2025ની થીમ ‘Unite to Ignite, a Fire Safe India’ નક્કી કરવામાં આવી છે, જે દેશભરમાં અગ્નિ સલામતી માટે એકજૂટ થવાનો સંદેશ આપે છે. રાજ્યના વિવિધ શહેરોમાં પણ આ દિવસની ઉજવણી થશે, અને આખા અઠવાડિયા દરમિયાન અગ્નિ નિવારણને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
રાજ્ય સરકારે વર્ષ 2025-26ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે, અને આ સંદર્ભમાં એકતાનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન ખાસ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ મહાનગરપાલિકા અને નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના માર્ગદર્શન હેઠળ આ સેવાઓ કોઈપણ પડકારનો સામનો કરવા સદૈવ તૈયાર છે. ફાયર પ્રિવેન્શન એટલે આગને રોકવી અને જો લાગે તો પ્રાથમિક તબક્કે જ તેને કાબૂમાં લેવી, જે માટે જનજાગૃતિ ખૂબ જ જરૂરી છે. નિષ્ણાતોના મતે, આગની ઘટનામાં પહેલી પાંચ મિનિટ અત્યંત મહત્વની હોય છે, જે પછીના પાંચ કલાક કરતાં વધુ કિંમતી હોય છે.
આગની ઘટનાઓ રોજિંદી નથી, જેના કારણે લોકોમાં તેના પ્રત્યે બેદરકારી જોવા મળે છે. નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને પ્રાથમિક અગ્નિ સુરક્ષા સાધનોના ઉપયોગની જાણકારી આપવી અને અગ્નિગ્રસ્ત ઇમારતમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાની રીતો શીખવવી છે. આ દિવસે ફાયર સર્વિસના જવાનોની બહાદુરીને પણ બિરદાવવામાં આવે છે, જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને જનમાલની સુરક્ષા કરે છે.
ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડૉકયાર્ડમાં થયેલા વિસ્ફોટમાં શહીદ થયેલા ફાયર સર્વિસના જવાનોની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ ઘટનાએ દેશભરમાં ફાયર સર્વિસના અમૂલ્ય યોગદાનને પ્રકાશમાં લાવ્યું હતું. ગુજરાતમાં આ વર્ષે રાજ્યકક્ષાના કાર્યક્રમ ઉપરાંત દરેક શહેરી વિસ્તારમાં આયોજિત કાર્યક્રમો દ્વારા અગ્નિ સલામતીનો સંદેશ ફેલાવવામાં આવશે. આ પ્રયાસો રાજ્યને અગ્નિ નિવારણના ક્ષેત્રે વધુ સજ્જ અને સલામત બનાવશે. (આલેખન - જનક દેસાઈ)
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
