<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

ડો. આંબેડકર જયંતી નિમિત્તે ગુજરાતની પ્રતિબદ્ધતા : અનુસૂચિત જાતિના યુવાનોના શિક્ષણ, સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે વ્યાપક પહેલ

25 આદર્શ શાળાઓ અને 79 છાત્રાલયો દ્વારા શિક્ષણની તક : ડૉ. આંબેડકર આવાસ યોજના થકી 55,329 લાભાર્થીઓને 238 કરોડની સહાય : અગ્નિવીર તાલીમ માટે 150 યુવાનોને આર્થિક ટેકો

ગાંધીનગર: ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ (SC)ના યુવાનોના શિક્ષણ, સામાજિક ગરિમા અને આર્થિક સશક્તિકરણ માટેની પોતાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર રેખાંકિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડૉ. આંબેડકરના “સમાજના છેવાડે ઉભેલા માનવી સુધી ન્યાય પહોંચે તો જ સામાજિક ન્યાય પૂર્ણ થાય”ના વિઝનને અનુરૂપ, ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વસમાવેશી વિકાસ મોડલ દ્વારા અનુસૂચિત જાતિના સમુદાયના ઉત્થાન માટે બહુવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ પ્રયાસો શિક્ષણ, આવાસ, વ્યાવસાયિક તાલીમ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે ડૉ. આંબેડકરના સમાનતા અને ન્યાયના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે.

રાજ્યમાં શિક્ષણની સુલભતા વધારવા 25 આદર્શ નિવાસી શાળાઓમાં 1,822 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 79 સરકારી છાત્રાલયોમાં 4,924 વિદ્યાર્થીઓને નિ:શુલ્ક આવાસ અને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સમરસ છાત્રાલય યોજના હેઠળ વર્ષ 2024-25માં 13,150 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો, જેમાંથી 2,110 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત, અગ્નિવીર તાલીમ યોજના દ્વારા 150 અનુસૂચિત જાતિના યુવાનોને 75 દિવસની તાલીમ માટે વિદ્યાર્થી દીઠ 34,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જે તેમને સેનામાં જોડાવા માટે સશક્ત બનાવે છે.

આર્થિક સહાયના મોરચે, પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 3,57,095 વિદ્યાર્થીઓને 47.86 કરોડ રૂપિયા અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 1,54,837 વિદ્યાર્થીઓને 297.08 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી. ફૂડબિલ યોજના દ્વારા 11,587 વિદ્યાર્થીઓને 17.33 કરોડ રૂપિયાનો લાભ મળ્યો, જેનાથી વિદ્યાર્થીઓ નાણાકીય ચિંતા વિના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વ્યાવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા કાયદાના સ્નાતકોને પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000, ત્રીજા વર્ષે 5,000 અને વરિષ્ઠ વકીલોને તાલીમાર્થી દીઠ 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ડૉ. પી.જી. સોલંકી યોજના હેઠળ મેડિકલ સ્નાતકો માટે સહાય 50,000 રૂપિયાથી વધારીને 1,00,000 રૂપિયા કરાઈ છે.

આવાસના ક્ષેત્રે, ડૉ. આંબેડકર આવાસ યોજના દ્વારા 55,329 લાભાર્થીઓને 238 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી. આ યોજના હેઠળ સહાયની રકમ 1,20,000 રૂપિયાથી વધારીને 1,70,000 રૂપિયા કરાઈ છે, જે અનુસૂચિત જાતિના લોકોની સામાજિક ગરિમા અને સ્વાભિમાનને મજબૂત કરે છે. આત્મનિર્ભરતા માટે વાહન, સ્વરોજગાર અને ઉચ્ચ શિક્ષણ માટે બેંક લોન પર 6 ટકા સુધીની વ્યાજ સબસિડી આપવાનો નિર્ણય પણ યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવશે. આ બધી પહેલો ગુજરાતને ડૉ. આંબેડકરના સપનાના સમાજની નજીક લઈ જઈ રહી છે, જ્યાં દરેક વ્યક્તિને શિક્ષણ, સન્માન અને તકની સમાન ઉપલબ્ધિ થાય, તેમ ગાંધીનગર માહિતીખાતાની એક યાદીમાં જણાવાયું છે.

 

(3:39 PM IST)