<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

નર્મદા પરિક્રમામાં લાખોનો સંખ્યામાં લોકો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ : કેટલાક ભક્તો અડધેથી પરત ફર્યા

જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ નર્મદા પરિક્રમા કરવા આવતા ભક્તો શ્રદ્ધાળુઓને શનિ-રવિ રજા કરતા સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : તા. ૧૩ નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં યોજાતી પરિક્રમા છેલ્લા ૧૫ દિવસથી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને હવે ૧૫ દિવસ પરિક્રમાને બાકી છે ત્યારે રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો પરિક્રમામાં આવી જતા તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા ખોરવાઈ હતી અને બહારથી નાના મોટા વાહનો લઈને આવેલા લોકો મોટી લાઈનો જોઈ પગપાળા નિકળ્યા હતા અથવા કેટલાક તો પોતાના વાહનો લઈ પરત પણ ફર્યા હતા.

જોકે નર્મદા જિલ્લા કલેકટર એસ.કે. મોદી દ્વારા શ્રદ્ધાળુઓ ભક્તજનોને નમ્ર અપીલ કરવામાં આવી હતી  કે, શનિ-રવિ તેમજ જાહેર રજામાં લોકોનો ઘસારો જોવા મળે છે. તેના પગલે ભક્તો શ્રદ્ધાળુઓને જાહેર રજા કરતા ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા આવે તેવી અપીલ કરવામાં આવી  હતી. ચાલુ દિવસો દરમ્યાન આવો તો આપની સેવા અને સુવિધા સારી રીતે કરી શકીએ અને આપની પરિક્રમા સુખદ, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વહીવટી તંત્ર આપની સુવિધા માટે સજ્જ છે. રાત્રી સમયે કે વહેલી સવારે યાત્રા કરો તો ગરમી તડકાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત પણ નહીં થાય તેમ કલેક્ટર મોદી એ  જણાવ્યું છે. નર્મદામૈયાની કૃપા સૌના ઉપર બની રહે, સૌને સુખ-સમૃદ્ધિ અર્પે તેવી પણ કામના કરું છું. આમ, સુખરૂપ રીતે સારી રીતે યાત્રા કરીને સૌ ભક્તો, શ્રદ્ધાળુઓ જાય તે અમારો ઉદ્દેશ અને લક્ષ્ય છે.
 રામપરા કીડી મંકોડી ઘાટ પર ચાલતા ભંડારામાં ખાધ્ય સામગ્રી લઈ ને જતા વાહનો પણ અટકાવતા પરિક્રમાવાસીઓને ભોજન કઈ રીતે આપવું તેવા સવાલ ઉઠ્યા હતા. અને મોટી સંખ્યા માં ભક્તો આવી ચઢતા વ્યવસ્થા ખોરવાઈ પડી હતી. માટે જ જિલ્લા કલેક્ટર મોદી એ સૌ ભક્તો ને અપીલ કરી કે શનિ,રવિવાર ની રજા કરતા ચાલુ દિવસે આવી શાંતિપૂર્ણ રીતે પરિક્રમા કરવા અનુરોધ કર્યો હતો.

(5:54 PM IST)