<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

૧૮૦૦ કરોડનું ડ્રગ્‍સ ઝડપાયું :જુઓ વિડીયો

દરિયા કાંઠેથી ૩૦૦ કિલો ડ્રગ્‍સ ઝડપાયું : કોસ્‍ટગાર્ડ ઇનપુટના આધારે શંકાસ્‍પદ બોટનો પીછો કર્યો અને બોટમાંથી ફેંકી દીધેલો ડ્રગ્‍સનો જથ્‍થો જપ્‍ત કરાયોઃ ઝડપાયેલો ડ્રગ્‍સનો જથ્‍થો પોરબંદર લાવવામાં આવ્‍યોઃ ડ્રગ્‍સનો જથ્‍થો ફેંકીને નાસી ગયેલ અજાણી બોટને પકડવા તપાસનો ધમધમાટ : પોરબંદર અરબી સમુદ્રમાં એટીએસ અને કોસ્‍ટગાર્ડનું સંયુકત ઓપરેશન : ડ્રગ્‍સના જથ્‍થા પ્રકરણમાં કાર્યવાહી ચાલુ છેઃ સતાવાર વિગતો બાદમાં જાહેર કરાશેઃ રાજયના પોલીસવડા વિકાસ સહાય

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪: ગુજરાત એટીએસ અને કોસ્‍ટ ગાર્ડના એક સંયુક્‍ત ઓપરેશનમાં દરિયાઇ જળસીમામાંથી પાસેથી ૩૦૦ કિલો ડ્રગ્‍સ ઝડપાયું છે. આ ડ્રગ્‍સની કિંમત ૧૮૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

કોસ્‍ટગાર્ડના જહાજને જોઈને ડ્રગ્‍સ તસ્‍કરોએ ડ્રગ્‍સને ફેંકી દીધું હતું અને આંતરાષ્‍ટ્રીય જળ સીમા પાર કરીને ભાગી છૂટયા હતા. જે બાદ કોસ્‍ટગાર્ડે દરિયામાંથી ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપી પાડ્‍યો હતો. ગુજરાત એટીએસની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

આ કાર્યવાહી દરમિયાન ૩૦૦ કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્‍સ જપ્ત કરવામાં આવ્‍યું છે. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં કોસ્‍ટગાર્ડએ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા.

કોસ્‍ટગાર્ડથી જણાવ્‍યા મુજબ ૧૨-૧૩ એપ્રિલ ૨૫ની રાત્રે ગુજરાત એટીએસ સાથેના સંયુક્‍ત ઓપરેશનમાં ઇન્‍ડિયા કોસ્‍ટગાર્ડે ગુજરાત દરિયાકાંઠે આઇએમબીએલ પાસેથી ૧૮૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ૩૦૦ કિલો ડ્રગ્‍સનો જથ્‍થો જપ્ત કર્યો. આઇસીજી જહાજને જોતાં જ, દાણચોરોએ પ્રતિબંધિત માલ છોડી દીધો અને આઇએમબીએલ પાર ભાગી ગયા. દરિયામાં માલ મળી આવ્‍યો અને વધુ તપાસ માટે એટીએસને સોંપવામાં આવ્‍યો છે. ડ્રગ દાણચોરી સામે મજબૂત આંતર-એજન્‍સી સિનર્જીનો પુરાવો છે.ૅ

ઉલ્લેખનીય છે કે આ પહેલા જાન્‍યુઆરીમાં પણ ગુજરાત એટીએસને ડ્રગ્‍સ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી. ખંભાતના સોખડા GIDCમાં આવેલી ગ્રીનલાઈફ કંપનીમાં ATS અને SOGએ સંયુક્‍ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગ્રીન લાઇફ કંપની દવા બનાવવાનું કામ કરે છે. એટીએસ અને એસઓજીની ટીમને સુત્રો પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઇ હતી કે, આ કંપની પાસે મોટી માત્રામાં ડ્રગ્‍સ સહિતનો સામાન છે. જેને લઇને ATS અને SOGની ટીમે સંયુક્‍ત ઓપરેશન હાથ ધર્યું છે. હાલ આ ફાર્મા કંપનીમાં તપાસ ચાલી રહી છે.

ATSની ટીમે સર્ચ ઓપરેશન દરમ્‍યાન કંપનીના માલિકો, ભાગીદારો અને કંપનીમાં કાર્યરત તમામ કર્મચારીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનમાં કંપનીના તમામ રેકોર્ડઝ અને દસ્‍તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્‍થિત કંપનીના માલિકોને એટાએસએ ઝડપી અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરી છે. ગ્રીન લાઈફ કંપનીનાં માલિકો મૂળ અમદાવાદનાં હોવાની વિગતો પણ સામે આવી હતી.

દરમ્‍યાન આંતરાષ્‍ટ્રીય જળ સીમા બોર્ડર લાઇન પરથી ડ્રગ્‍સ પકડાયાના અહેવાલને સમર્થન આપી હાલના તબક્કે કાર્યવાહી ચાલી રહી હોવાથી સતાવાર વિગતો હવે પછી આપવામાં આવશે તેમ અકિલા સાથેની વાતચીતમાં રાજયના પોલીસવડા વિકાસ સહાયે જણાવ્‍યું હતું.(૭.ર૭)

(3:12 PM IST)