તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 14th April 2025
લ્યો બોલો... દીકરાએ પોતાના જ ઘરમાં કરી રૂ.૭ લાખના દાગીનાની ચોરી!
દાગીનાંની ચોરી કરી પાડોશી મહિલાને ગીરવે આપ્યા હોવાનો ઘટસ્ફોટ : માતાની ફરિયાદ બાદ પોલીસે દીકરા અને પાડોશી મહિલા સામે ગુનો નોંધ્યો

ભરૂચ,તા.૧૪: ભરૂચમાં કોર્ટ નજીક આવેલ રામનગર સોસાયટીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાંથી રૂ.૭ લાખનાં દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ફરિયાદીનાં દીકરાએ જ પોતાનાં ઘરમાંથી જ રૂ.૭ લાખના દાગીનાની ચોરી કરીને પાડોશીને ગીરવે મૂકયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી ભાનુબેન ગીરીશભાઈ પરમાર રામનગર સોસાયટી ભરૂચનાં હોય પોલીસ મથકે પોતાના ઘરમાંથી દાગીનાની ચોરી થી હોવા મામલે અરજી કરી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતા ૭ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ફરિયાદી ઘરે એકલા હતા અને બેંકમાં નવું લોકર ખોલાવવાનું હોવાથી સોના-ચાંદીનાં દાગીના ઘરમાં સેટી પલંગની અંદર રાખેલા લોકરમાં મૂકયા હતા. જો કે, આ લોકરનું લોક બગડી ગયેલું હતું. દરમિયાન, ફરિયાદી ભાનુબેન પરમાર પોતાનો સેટી પલંગ ખોલીને જોતા તેમાં રાખેલા દાગીના ન હોવાના કારણે ચોરી અંગેની અરજી આપી હતી અને દાગીના ફરિયાદીના દીકરા ધ્રૂવ પરમારે જ લીધા હોય તેવા આક્ષેપ કર્યો હતો.
આ મામલે સમગ્ર તપાસ કરવામાં આવતા ધ્રૂવ પરમારે પોતાની જ માતાનાં સોનાનાં દાગીના નજીકના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા રમીલાબેનને પ્રથમ સોનાની વીંટી આપી, જેથી રમીલાબેને ધ્રૂવને કહ્યું હતું કે, તું એક એક વસ્તુ લાવે છે તેમાં પકડાઈ જશે, એક સાથે બધું લઈ આવ તેમ કહેતા ધ્રૂવ પરમારે પોતાની માતાનાં દાગીનામાં સોનાની માળા એક ૧૭ ગ્રામ, સોનાની વીંટી નંગ એક ચાર ગ્રામ, સોનાની બુટ્ટી જોડ ત્રણ ૬ ગ્રામ, સોનાની લટકણ વાળી બુટ્ટી બે જોડ સાત ગ્રામ, ચાંદીનાં સાંકડા, ચાંદીનું બિસ્કીટ સહિત કુલ રૂપિયા ૭,૦૧,૦૦૦ ના દાગીના રમીલાબેન મોહનભાઈ પરમારને આપ્યા હતા. ફરિયાદીએ દીકરાને ચોરી માટે પ્રોત્સાહિત કરી સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકયા હોય જે અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ફરિયાદીના દીકરા ધ્રૂવ ગીરીશભાઈ પરમાર તથા રમીલાબેન પરમાર સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.(૪૦.૬)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
