<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

નર્મદા ઉત્તરવાહીની પરીક્રમાના 17માં દિવસે શનિ અને રવિવારની રજા હોવાથી અચાનક આશરે ત્રણ લાખ જેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા પરીક્રમામાં અવ્યવસ્થા સર્જાઇ

રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમા વાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી : નાવડીમાં બેસવા લોકોએ 6-6 કલાક રાહ જોવી પડતા કંટાળીને હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા

નર્મદા તા.૧૪ ; નર્મદા ઉત્તરવાહીની પરીક્રમાના 17માં દિવસે શનિ અને રવિવારની રજા હોય અચાનક આશરે ત્રણ લાખ જેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓને ધસારો થતાં પરીક્રમામાં અવ્યવસ્થા સર્જાઇ હતી. જેના પગલે ભક્તો રોષે ભરાયા હતા. રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે અને સમારીયા તરફથી જવાનો રસ્તા રાત્રીથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ વાવડી ચોકડીથી રામપુરા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

ટ્રાફિક જામને લીધે વાવડી ચોકડી આસપાસ જ્યાં જગ્યા મળી ત્યાં લોકોએ લકઝરી, મીની બસ, પોતાની પ્રાઇવેટ કાર પાર્ક કરી દીધી હતી.કેટલાંક લોકોએ તો ટ્રાફિકથી કંટાળી આસપાસ જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જવાનો પણ વારો આવ્યો હતો. રસ્તા પર જ વાહનો પાર્ક કરી લોકો પરીક્રમા માટે 8 કિમી ચાલતા રામપુરા પહોંચ્યા હતા. દરમિયાન અચાનક લોકોનો ધસારો વધી જતા નદીની સામે પાર જવા બનાવાયેલો કામચલાઉ પૂલ બંધ કરાયો હતો અને પરિક્રમા થોડો સમય અટકાવી રખાઈ હતી. 

રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમા વાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી હતી. જેથી નાવડીમાં બેસવા લોકોએ 6-6 કલાક રાહ જોવી પડતા કંટાળીને હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા હતા. જો કે રાત્રી દરમિયાન સર્જાયેલી અવ્યવસ્થાને પગલે જિલ્લાની પોલીસે આખી રાત ખડે પગે રહી સવારે પરીક્રમા પુનઃ ચાલુ કરાવી હતી.

(4:08 PM IST)