<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

અમદાવાદના ઓઢવમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ: લગ્ન પ્રસંગમાં મળેલા યુવકે મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધ્યા

માતા-પિતાની ગેરહાજરીમાં ઘરે આવી મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધતો:યુવકે સગીરાની સ્કૂલે જઈ પીછો કરી મારી નાખવાની ધમકી આપતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદના ઓઢવમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં મળેલા યુવક સાથે સગીરાને સંપર્ક થયો હતો, યુવકે મિત્રતા કરી સગીરાનો પીછો કરી અને તેના ઘરે આવી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાના પિતાને જાણ થતા તેઓએ ફોન કરી યુવકને દીકરી સાથે સંબંધ ન રાખવા જણાવ્યું હતું, જોકે તેમ છતાં યુવકે સગીરાની સ્કૂલે જઈ પીછો કરી મારી નાખવાની ધમકી આપતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.

  અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને તેઓના પતિ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે, તેઓને સંતાનમાં 24 વર્ષનો દિકરો અને 15 વર્ષની દિકરી છે. તેઓની દિકરી વર્ષા (નામ બદલેલ છે) હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે. 

    ત્રણેક મહિનાં પહેલા જાન્યુઆરીમાં ફરિયાદીની પાડોશમાં રહેતી મહિલાએ તેઓને જણાવ્યું હતું કે ફરિયાદી પતિ સાથે સ્કૂલમાં નોકરીએ જાય છે, તે પછી દિકરી ઘરે હાજર હોય ત્યારે એક યુવક તેઓનાં ઘરે આવે છે. જેથી તેઓએ સગીર દિકરી વર્ષાને આ બાબતે પુછતા તેણે જણાવ્યું હતું કે પહેલી ફેબ્રુઆરી 2024નાં રોજ તે માસીના દિકરાના લગ્નમાં મહિસાગર ગઈ હતી, ત્યારે ગરબા રમતી વખતે મહિસાગરનાં અંકિત ઝાલા નામનાં યુવકે તેની ઈન્સ્ટાગ્રામ આઈડી માંગી હતી, વર્ષાએ આઈડી આપતા બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ અને મોબાઈલ નંબરની આપ લે થતા અંકિત ઝાલા અવારનવાર તેને ફોન કરતો હતો. જે બાદ વર્ષા સ્કૂલે જતી ત્યારે અંકિત ઝાલા તેને મળવા આવતો અને માતા-પિતાની ગેરહાજરીમાં વર્ષાના ઘરે આવી તેની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારિરીક સંબંધ બાંધતો હતો.

જેથી ફરિયાદીએ આ મામલે તેઓના પતિને વાત કરતા તેઓએ અંકિત ઝાલાને ફોન કરી દિકરીથી દૂર રહેવા જણાવ્યું હતું. અંકિત ઝાલા મહિસાગર ખાતે તેના મામાના ઘરે રહેતો હોવાની માહિતી હોવાથી ત્યાં પણ તપાસ કરાવી હતી પણ તે ત્યાં ન રહેતો હોવાની જાણ ફરિયાદીને થઈ હતી.

12 એપ્રિલ 2025 ના રોજ શનિવારે વર્ષાને સવારની સ્કૂલ હોવાથી માતાપિતા તેને સ્કૂલે મુકીને નોકરીએ ગયા હતા. નોકરી પરથી છુટીને તેઓ ઘરે પહોંચતા બપોરના સમયે ફરિયાદીના પતિ પર વર્ષાની મિત્રએ ફોન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે અને વર્ષા સ્કૂલથી છુટી ત્યારે અંકિત ઝાલા બાઈક પર ઉભો હતો અને વર્ષા સ્કૂલથી નીકળી ત્યારે તેનો પીછો કરી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો.

જેથી ફરિયાદી અને તેઓના પતિ વર્ષાની સ્કૂલે ગયા હતા, જ્યાં વર્ષાએ માતા પિતાને જણાવ્યું હતું કે સ્કૂલમાંથી છુટીને તે ચાલતા ચાલતા ટ્યૂશનમાં જતી હતી, ત્યારે અંકિત ઝાલાએ પાછળથી આવી તેને જણાવ્યું હતું કે હું ફોર વ્હીલ લઈને આવું છું, તારે મારી સાથે રહેવુ છે કે મરવુ છે, જેથી વર્ષાએ ના પાડતા અંકિતે કહ્યું કે તું મરવા માટે તૈયાર રહેજે, તેવી ધમકી આપી હતી. જે બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. અંતે આ મામલે સગીરાની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(6:37 PM IST)