તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
સુરતના કાપોદ્રામાં ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત :બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત: અન્ય એક યુવક ગંભીર
અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ચાલકને ઝડપવા માટે શોધખોળ શરૂ : CCTV ફૂટેજ, સ્થાનિક લોકોથી માહિતી અને ટ્રક નંબરના આધારે તપાસ

સુરત :શહેરના કાપોદ્રા વિસ્તારમાં સોમવારના પીક અવર્સ દરમિયાન એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઈક વચ્ચેની આ અથડામણમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે બીજા એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દુર્ઘટનાના તરત બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનનું નામ ભુપત માલવિયા હતું. ભુપત પોતાના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક હિન્દુજા કંપનીની માલિકીની એક ટ્રક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા. અથડામણ એટલી ભયંકર હતી કે ભુપતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેના મિત્રોમાંથી એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની પગની હડી તૂટી જતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ દુર્ઘટનાના પગલે રોડ પર તુરંત ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. પીક અવર્સ હોવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે કાપોદ્રા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવા તાકીદની કામગીરી હાથ ધરી. પોલિસે મૃતક ભુપત માલવિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને દૃષ્ટિએ લઈને CCTV ફૂટેજ, સ્થાનિક લોકોથી માહિતી અને ટ્રક નંબરના આધારે તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ચાલકને ઝડપવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
