News of Wednesday, 16th April 2025
ડિજિટલ સેવા સેતુ : ગુજરાતના ગામડાંઓમાં ડિજિટલ ક્રાંતિનું મજબૂત પગલું : છેલ્લાં બે વર્ષમાં ૬૧ લાખથી વધુ લોકોએ ગ્રામ પંચાયતોમાંથી સરકારી સેવાનો લાભ લીધો
હવે ગ્રામ પંચાયતો માત્ર ₹૨૦ની ફી સાથે ૧૪ જેટલા પ્રમાણપત્રો જેમ કે આવકનો દાખલો અને રાશન કાર્ડમાં સુધારો કરી શકશે : ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ૩૨૧ જેટલી નાગરિક કેન્દ્રિત સેવાઓ ઉપલબ્ધ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાને જે ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનની શરૂઆત કરી હતી, તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘ડિજિટલ ગુજરાત’ના મંત્ર સાથે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. આજે ગુજરાત સરકારની ડિજિટલ સેવા સેતુ પહેલના કારણે રાજ્યના અંતરિયાળ ગામડામાં રહેતી વ્યક્તિને પણ નાગરિક-કેન્દ્રિત સેવાઓ ઓનલાઈન મળી રહી છે. ડિજિટલ સેવા સેતુ એ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક મજબૂત ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઊભું કરીને ગ્રામ્ય સ્તરે સરકારી સેવાઓ પૂરી પાડવા માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે. હાલમાં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર ૩૨૧ પ્રકારના પ્રમાણપત્રો અને સેવાઓ ઉપલબ્ધ છે, જેનો લાભ છેલ્લાં ૨ વર્ષમાં ૬૧ લાખથી વધુ લોકોએ લીધો છે.
રાજ્યના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર ૨૦૨૦માં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ્ય સ્તરે સામાન્ય નાગરિકોને તેમની સુવિધા અનુસાર અને ગ્રામ પંચાયતમાંથી જ સામાન્ય ફી પર પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ સેવા સેતુના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી રીતે, સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થઈ છે, જે તેને ડિજિટલ ક્રાંતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બનાવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશની તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ભારતનેટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતના સુશાસનમાં એક નવી પહેલ તરીકે રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્ક સાથે જોડીને ડિજિટલ સેવા સેતુનો નવો અભિગમ શરૂ કર્યો હતો. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા રાજ્યના ૮૦૦૦થી વધુ ગામડાઓમાં ૧૦૦ Mbps હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળી છે, જેથી તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં જ સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવે છે. આ અંતર્ગત, નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા રાશનકાર્ડમાં સુધારો કરવા અથવા ડુપ્લિકેટ રાશનકાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રીમી લેયર પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વગેરે જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર ૨૦ રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બને છે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભારતનેટ ફેઝ-૨ નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફોર્મે લગભગ ૧.૫૭ કરોડ ગ્રામીણ રહેવાસીઓને ૩૨૧ સેવાઓનો લાભ આપ્યો છે.
તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતોને ₹૨૦ની ફી સાથે ૧૪ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ ૨૪૮ તાલુકાની ૧૪૧૧૨ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે.
ડિજિટલ સેવા સેતુની સફળતા આંકડામાં જોઈએ તો, ૨૦૨૩-૨૪માં કુલ ૨૭,૧૩,૦૭૯ લોકો અને ૨૦૨૪-૨૫માં કુલ ૩૪,૯૯,૨૬૧ લોકોએ ગ્રામ પંચાયતોમાંથી વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો છે. હાલમાં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર ૩૨૧ પ્રકારના પ્રમાણપત્રો અને સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, SJED (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ)ના ૧૮ પ્રમાણપત્રો કે સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ડિજિટલ સેવા સેતુના અમલીકરણથી સમય, નાણાં અને કાગળની બચત થઈ છે અને VCE (ગ્રામ્ય કમ્પ્યુટર ઉદ્યોગસાહસિકો) દ્વારા રોજગારીનું સર્જન થયું છે, તેમ ગાંધીનગર માહિતીખાતાની એક યાદીમાં જણાવાયું છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
