News of Wednesday, 16th April 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને GSRDCની ઉચ્ચસ્તરીય બેઠક : રાજ્યના માર્ગ વિકાસ માટે ૨૪૭ કરોડના કામો મંજૂર : અમદાવાદ - વિરમગામ - માળીયા રોડ સિક્સ લેન થશે
નમો શક્તિ એક્સપ્રેસ વે અને અમદાવાદ - સોમનાથ - દ્વારકા એક્સપ્રેસ વેના કામો ઝડપી બનાવવા અને સમયસર શરૂ કરવા મુખ્યમંત્રીના દિશાનિર્દેશ : ભરૂચ - દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર : ભુજ - ભચાઉ હાઈસ્પીડ કોરિડોર અને વટામણ - પીપળી હાઈસ્પીડ કોરિડોર સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSRDC)ની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે ૨૪૭.૩૫ કરોડના કામો મંજૂર કરવા સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હતી.
રાજ્ય સરકારના સાહસ GSRDC દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ ૧૮૮.૯ કિલોમીટર લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રિસરફેસિંગ, વિસ્તૃતીકરણ વગેરે માટે કુલ ૨૯૯૯.૮ કરોડના કામો પ્રગતિમાં છે તેની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ભરૂચ-દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર, ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે, વટામણ-પીપળી હાઈસ્પીડ કોરિડોર, ભુજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર, કીમ-માંડવી રસ્તાનું આધુનીકરણ, સચાણા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ વગેરે અગત્યના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેક્શનને ૮૦૦ કરોડના અંદાજિત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી. આ માર્ગના નિર્માણના પરિણામે સમગ્ર સાણંદ ઔદ્યોગિક વિસ્તારને લાભ થશે તેમજ જી.આઈ.ડી.સી. ખાતેના નવા રોકાણકારો-ઉદ્યોગકારોને વધુ સારી સુવિધા મળશે. આનાથી વધુ નવા રોકાણો પણ આકર્ષી શકાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ GSRDCની આ સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે જે કામોની મંજૂરી આપી છે તેમાં વટામણ પીપળી રોડ પર શ્રી ભેટડીયા દાદા મંદિર તરફ જતાં રસ્તાની સામે ૧૩.૬૧ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ અને પીપળી ગામ સામે ૧૫ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભુજ-ભચાઉ રસ્તા પર બી.કે.ટી. ફેક્ટરી સામે ૨૭ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, ધાણેટી ગામે પાસે ૧૭.૫૦ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, ભદ્રોઇ ગામ સામે ૧૪.૨૫ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, દૂધઇ ગામ પાસે ૧૭ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ એમ કુલ ૭૬ કરોડના ખર્ચે ૪ નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી.
આ કામોને મંજૂરી મળતા સ્થાનિક ટ્રાફિકનો લાંબા અંતરના ટ્રાફિક સાથેનો સંઘર્ષ ટળશે અને ભુજ-ભચાઉ રસ્તાનો ઉપયોગ કરતાં વાહનોને ઝડપી, અંતરાય રહિત પરિવહનનો લાભ મળશે તથા અકસ્માત ઘટશે.
GSRDC દ્વારા આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં ૯૩૭ કરોડના ખર્ચે હાથ ધરાઇ રહેલ ભુજ-નખત્રાણા તેમજ ૭૬.૬૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ રિસરફેસના કામોની મુખ્યમંત્રીને તલસ્પર્શી વિગતો આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની બજેટ જોગવાઇમાં સૂચવાયેલા નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરે કામોની જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવીને આ યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટેની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા દિશાનિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલિયા તથા GSRDCના એમ.ડી. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
