News of Wednesday, 16th April 2025
અમદાવાદમાં ભાઈએ જ બહેનને બનાવી વિધવા : મળવા બોલાવી ભાઈએ જ બનેવીના ગળા પર ફેરવી નાખ્યું ચપ્પુ
આરોપીની બહેને મનપસંદ યુવક સાથે પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા, યુવતી ભણેલી ગણેલી અને તેનો પતિ રીક્ષા ચલાવતો હોવાથી યુવતીના ભાઈને પહેલાથી અણગમો હતો

અમદાવાદમાં એક ભાઈએ પોતાની જ બહેનનું ઘર ઉજાડી નાખ્યું છે. થોડા સમય પહેલા આરોપીની બહેને મનપસંદ યુવક સાથે પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા, યુવતી ભણેલી ગણેલી અને તેનો પતિ રીક્ષા ચલાવતો હોવાથી યુવતીના ભાઈને પહેલાથી અણગમો હતો. મંગળવારે આરોપીએ તેની બહેનને મળવા બોલાવી અને તેને પતિને છોડી દેવા માટે સમજાવી, બહેન ના માની તો ભાઈએ બનેવીનું જ કાસળ કાઢી નાખ્યું હતું.
માધવપુરા પોલીસે હત્યાના ગુનામાં અભિષેક અરવિંદભાઈ પરમાર નામનાં યુવકની ધરપકડ કરી છે, આ યુવકે પોતાની જ બહેનને વિધવા બનાવવાનું કૃત્ય કર્યું છે. આરોપી અને તેનો પરિવાર સુરેન્દ્રનગરનાં લીંબડીનો રહેવાસી છે, તેની બહેન મોનીકાએ દોઢ મહિના પહેલા તેના જ ગામમાં રહેતા આકાશ મકવાણા નામના યુવક સાથે પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે અભિષેકની બહેન નર્સિંગનો અભ્યાસ કરતી હતી અને તેનો પતિ રીક્ષા ચલાવતો હોય અભિષેકને બહેનના ભવિષ્યની ચિંતા રહેતી હોવાથી તે વારંવાર બહેન મોનીકાને પતિ સાથે છુટાછેડા લઈને પાછી આવી જવાનું જણાવતો હતો. મોનીકા તેના પતિ સાથે અમરાઈવાડીમાં રહેવા આવી હતી ત્યાં અભિષેક ચાણક્યપુરીમાં 4-5 દિવસ પહેલા રહેવા આવ્યો અને મંગળવારે રાત્રે બહેનને રિવરફ્રન્ટ બોલાવી અને બાદમાં બનેવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આરોપી અભિષેકની બહેન તેના પતિ આકાશ મકવાણા સાથે રિવરફ્રન્ટ પર ભાઈને મળવા માટે પહોંચી, ત્યાં અભિષેકે બહેન મોનિકાને ફરી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો, જોકે મોનિકાએ પતિ સાથે જ રહેવાનો નિર્ણય અડગ રાખ્યો, જેથી અભિષેકે મનોમન બનેવી આકાશ મકવાણાને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો, મોનિકાએ તેના ભાઈને એક્ટીવા પર બેસાડી તેના ઘરે મુકવાનું નક્કી કર્યું, રસ્તામાં શાહપુર દરવાજા બહાર લાલાકાકા હોલ પાછળ આવેલા બગીચા પાસે પહોંચતા અભિષેકે ચાલુ ગાડીએ બનેવી આકાશ મકવાણાના ગળા પર ચપ્પુ ફેરવી નાખ્યું અને જોત જોતામાં આકાશ મકવાણા મોતને ભેટી ગયો.
આ ઘટનાની જાણ થતા માધવપુરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં સામે આવ્યું કે તે પોતે કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પોતાના પિતા પણ રીક્ષા જ ચલાવે છે. જોકે એક રીક્ષા ચાલક સાથે લગ્ન કરી તેની બહેનનું જીવન બરબાદ થઈ તેવી વિચારધારાએ હવે તેનું, તેની બહેનનું અને તેના બનેવીના પરિવારને વિખેરી નાખ્યો છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
