<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

દેવું ચૂકવવા યુવકે જ્વેલર્સના શો રૂમમાં નોકરી મેળવી બે દિવસ બાદ 12 લાખથી વધુના દાગીના ચોરી ફરાર

સોલા પોલીસે હર્ષ સોલંકી નામના યુવકની ધરપકડ કરી: ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા યુવકને દેવું થતા સોના મહોર જ્વેલર્સ શો રૂમમાં નોકરી મેળવી

અમદાવાદ : અમદાવાદમાં ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા યુવકને દેવું થયું અને તે દેવું ચૂકવવા યુવકે એક તરકટ રચ્યું, પહેલા ડમી સીમકાર્ડ ખરીદ્યું અને બાદમાં જ્વેલર્સના શો રૂમમાં નોકરી મેળવી. બે દિવસ નોકરી કરી અને દાગીના લઈને રફુચક્કર થઈ ગયો, જોકે અંતે તે પોલીસની પકડમાં આવી ગયો. 

સોલા પોલીસે નોકર ચોરીના ગુનામાં હર્ષ સોલંકી નામના યુવકની ધરપકડ કરી છે. આ યુવકે થોડા દિવસ પહેલા સોલા વિસ્તારમાં આવેલા સોના મહોર જ્વેલર્સ શો રૂમમાં નોકરી મેળવી હતી, બે દિવસ નોકરી કરીને વેપારીની જાણ બહાર 6 સોનાની વીંટી અને 3 સોનાની લકી એમ કુલ મળીને 12 લાખ 32 હજારની કિંમતના દાગીના ચોરી કર્યા હતા. ત્રીજા દિવસે હર્ષ સોલંકી નોકરી પર ન આવતા શો રૂમના માલિક હર્ષિત શાહે તેને ફોન કરતા તેનો ફોન બંધ આવ્યો અને બાદમાં શો રૂમમાં રહેલા દાગીનાનો સ્ટોક તપાસ કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આરોપી હર્ષ સોલંકી રાજકોટથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે હર્ષ અગાઉ રાજકોટ ખાતે જવેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. જેથી તે જ્વેલર્સના કામકાજથી પરિચિત હતો. રાજકોટમાં નોકરી છોડ્યા બાદ તે બેકાર હતો અને તેના ઉપર દેવું થઈ ગયું હતું અને તે નોકરીની શોધખોળ કરતો હતો, તે દરમિયાન સોશિયલ મીડિયામાં અમદાવાદની જ્વેલર્સના શોરૂમમાં સેલ્સમેન તરીકેની નોકરીની પોસ્ટ જોતા તેણે સંપર્ક કર્યો હતો અને નોકરીએ લાગ્યો હતો. જોકે તેને દેવું થઈ ગયું હોવાથી તેણે જ્વેલર્સમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને એક જ દિવસમાં ચોરી કરી તે ફરી રાજકોટ પહોંચી ગયો હતો. 

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હર્ષ સોલંકીએ ચોરી કરેલા સોનાના દાગીના રાજકોટમાં ગોલ્ડ લોનની ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી ત્યાંથી 8.5 લાખ રૂપિયાની લોન મેળવી હતી. જેમાંથી પોતે બે લાખ રૂપિયા રોકડા રાખ્યા હતા તેમજ બે લાખ રૂપિયા તેના પિતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તો અન્ય ચાર લાખ જેટલી રકમ તેણે દેવું ચૂકતે કર્યું હતું. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા દાગીનાં રીકવક કર્યા છે. જોકે તેણે અમદાવાદમાં આ પ્રકારના ગુનાને અંજામ આપવા માટે ડમી સીમકાર્ડ પણ ખરીદ્યું હતું. તેવામાં સોલા પોલીસે આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેમજ ડમી સીમકાર્ડ અંગે તપાસ શરૂ કરી છે.

(7:51 PM IST)