<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી, રોગચાળામાં પણ થયો વધારો

રાજ્યમાં અંગ દઝાડતી ગરમીથી શહેરીજનો શેકાઈ રહ્યા છેઃબપોરે ૧થી ૪ વાગ્યા સુધી ઘરની બહાર ના નીકળવા અપીલ

અમદાવાદ,તા.૧૬: રાજ્યમાં અંગ દઝાડતી ગરમીથી શહેરીજનો શેકાઈ રહ્યા છે, ત્યારે વધતી ગરમીએ રોગચાળો પણ વધાર્યો છે. ગરમીના લીધે સોલા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના રોજના ૧૦ દર્દી સારવાર લઈ રહ્યા છે, ત્યારે ગરમીના લીધે ગભરામણ, આંખે અંધારા, ઝાળા-ઉલટીની સમસ્યાની વધુ ફરિયાદ ઉઠી રહી છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ૧૧,૬૪૦ ઓપીડી નોંધાઈ છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના શંકાસ્પદ ૬૭ કેસ, મેલેરિયાના શંકાસ્પદ ૨૭૮ કેસ તો ઝાડા ઉલ્ટીના ૩૫ દર્દી એડમિટ કરવાની ફરજ પડી છે. ગરમીમાં પાણી વધુ પીવા તબીબે લોકોને અપીલ કરી છે, તેમજ બપોરે ૧થી ૪ વાગ્યા સુધી કામ ન હોય તો ઘરની બહાર નીકળવું ન જોઈએ તેવું નિષ્ણાંત તબીબે કહ્યું છે.

હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, આજે રાજ્યમાં યલો એલર્ટની સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે,

કચ્છ, રાજકોટ, બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૪૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૪ ડિગ્રી, રાજકોટમાં ૪૪ ડિગ્રી, કંડલામાં ૪૧ ડિગ્રી, ડીસામાં ૪૪ ડિગ્રી, વડોદરામાં ૪૧ ડિગ્રી, ભુજમાં ૪૩ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

(10:07 PM IST)