News of Thursday, 17th April 2025
વિસનગરના યુવકને લગ્નની લાલચ આપીને અવનવા બહાના બતાવીને ગાંધીનગરની યુવતીએ 13,73 લાખ ખંખેરી લીધા
યુવકે લગ્ન કરવાનું કહેતાં તે એસ.સી. જાતિનો હોવાથી યુવતીએ ના પાડી દીધી: નાણાં માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી

વિસનગરમાં પરિવાર સાથે રહેતા યુવકને ૧૧ મહિના અગાઉ ઈન્સ્ટાગ્રામ મારફત મૂળ રાજસ્થાનની અને હાલ ગાંધીનગરમાં રહેતી યુવતી સાથે પરિચય થયો હતો. સમયાંતરે ગાઢ પરિચય થતાં યુવતીએ લગ્નની લાલચ આપી અવનવા બહાના હેઠળ અને ફીનાઈલ પીવાની ધમકી આપી તબક્કાવાર રૂ. ૧૩.૭૩ લાખ યુવક પાસેથી ખંખેરી લઈ લગ્નનો ઇન્કાર કર્યો હતો. આ અંગે યુવકે તેણીના પિતાને વાત કરતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોતે છતરાયો હોવાનું માલૂમ પડતા યુવકે વિસનગર પોલીસ મથકે ઠગ યુવતી અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં આવેલી વિવેકનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૨૭ વર્ષિય તેજસકુમાર પ્રવીણભાઈ પરમારને ૧૧ માસ અગાઉ ગાંધીનગરના સરગાસણની દેવનંદન સમીટમાં રહેતી તન્વી સતીષભાઈ મહેશ્વરી (મૂળ રહે. આમેટ, જિ. રાજસમંદ, રાજસ્થાન) સાથે ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયો હતો. અનેક વખતની વાતચીત બાદ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ આ યુવતીએ લગ્ન કરવાની લાલચ આપી યુવક પાસેથી અવનવા બહાને અને ફીનાઈલ પીવાની ધમકી આપી તબક્કાવાર રૂ. ૧૩.૭૩ લાખની રકમ મેળવી લીધી હતી.
યુવકે મદદ કરવાના ઈરાદે મિત્રોની મદદ અને લોન મેળવી મસમોટી રકમ યુવતીને આપી હતી. તાજેતરમાં યુવકે લગ્ન કરવાનું કહેતાં તે એસ.સી. જાતિનો હોવાથી યુવતીએ ના પાડી દીધી હતી. આ અંગે યુવકે તેણીના પિતાને નાણાં પર આપવા જણાવતાં તેણે પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતે છેતરાયો હોવાની જાણ થતાં યુવકે વિસનગર પોલીસ મથકે પહોંચી ઠગ યુવતી અને તેના પિતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વિસનગર ટાઉન પોલીસે યુવકની ફરિયાદના આધારે પિતા-પુત્રી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
