<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ગાંધીનગરમાં વ્‍યાયામ શિક્ષકોની ભરતી અંગેનું આંદોલન વેગવંતુઃ સત્‍યાગ્રહ છાવણી વિખેરવા પોલીસના પ્રયાસો

લાંબા સમયથી આંદોલન છતાં સરકારનો પ્રતિસાદ નહિં: છાવણીમાં બેસવાની મનાઇ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૭: રાજયના પાટનગર ગાંધીનગર ખાતે છેલ્લા ઘણાંય સમયથી સ્‍કુલોમાં વ્‍યાયામ શિક્ષકોની કાયમી ભરતી નહીં થાય ત્‍યાં સુધી અમારી લડત ચાલુ રહેશે તેવા દ્રઢ નિર્ણયથી સરકારનું પોલીસ તંત્ર સતત જાગૃત રહયું છે.

દિવસે અને દિવસે આ આંદોલન વેગવંતુ બનતું જાય છે. આ આંદોલન છેલ્લા એક માસ કરતા વધારે સમયથી ચાલી રહયું છે. વેગ પકડતા આ આંદોલનને દબાવા ગાંધીનગર પોલીસે કમરકસી છે. જેના ભાગરૂપે લડત ચલાવી આંદોલનકારીઓને આ જગ્‍યાએ ન બેસવાના આદેશ કર્યા છે.

રાજયની સરકારી પ્રાથમીક અને માધ્‍યમીક તેમજ ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાઓમાં કાયમી વ્‍યાયામ શિક્ષકોની કાયમ ભરતીની જગ્‍યાએ અગીયાર માસના કરાર આધારીત ભરતી કરવામાં આવી રહી છે. કરાર આધારીત ભરતીની જગ્‍યાએ કાયમી ભરતી કરવામાં આવે તેવી એમની સ્‍પષ્‍ટ માંગણી છે.

સાથે સાથે આ વ્‍યાયામ ચલાવી રહેલા આંદોલનકારીઓ કાયમી ભરતી કરવા માટે યોગ્‍ય લાયકાત ધરાવતા વ્‍યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવો શુર પણ વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.

આજદીન સુધી રાજયના શિક્ષણ વિભાગ દ્વારા હકારાત્‍મક દિશામાં કોઇ જ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્‍યો નથી. જેના કારણે આંદોલનકારીઓ વધારે આક્રોશ ધરાવતા જોવા મળી રહયાં છે. માટે પોલીસતંત્ર દ્વારા આ આંદોલનકારીઓને સત્‍યાગ્રહ છાવણીમાં ન બેસવા તાકીદ કરવામાં આવી છે.

આમ છતાં ગઇ મોડી સાંજ સુધીમાં આ જગ્‍યાએ બેસવાના પ્રયત્‍નો કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

રાજય સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં નહી આવે ત્‍યાં સુધી અમારી લડત ચાલુ રહેશે તેવા ઉચ્‍ચારણો પણ કરવામાં આવ્‍યાં હતાં. જયાં સુધી સરકાર વિધીવત કાયમી ભરતીના હુકમ ન કરે અને આંદોલન તોડવા માટે ખોટી રમતો રમે તો તેમા કોઇએ આવવું નહીં તે વાત પણ દોહરાવવામાં આવી છે.

આમ આંદોલનકારીઓ પોતાની લડત ચાલુ રાખવા મકકમ છે. તો બીજી તરફ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોઇ નકકર પગલા લઇ હુકમો કરવાની દિશામાં દેખાતું નથી. (૩પ.૧૬)

(3:54 PM IST)