<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સુરતની વિદ્યાદીપ સાયન્સ કોલેજની ઘોર બેદરકારી: નિયત તારીખ પહેલા પરીક્ષા લઈ લેતા 700 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા !

કોલેજ 2 એપ્રિલે લેવાતી પરીક્ષા 27 માર્ચે લઈ લેતા વિદ્યાર્થીઓ અટવાયા: વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો:તારીખ અગાઉ પરીક્ષા લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ

સુરતની વિદ્યાદીપ સાયન્સ કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલેજ 2 એપ્રિલે લેવાતી પરીક્ષા 27 માર્ચે લઈ લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે. કોલેજની ભૂલનાં કારણે યુનિવર્સિટી સંચાલકોની બેદરકારી સામે આવી છે તેમજ પ્રતિષ્ઠા ખરડાઈ છે.

સુરત શહેરમાં કોલેજની ભૂલના કારણે 700 વિદ્યાર્થીઓને નિયત તારીખ પહેલા પરીક્ષા આપવાની ફરજ પડી હતી. શહેરની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરાયેલ તારીખ પહેલા પરીક્ષા લઈ લેતા 700 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યું હોવાનું વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. તારીખ અગાઉ પરીક્ષા લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોલેજ સંચાલકોની બેદરકારીના પરિણામે 2 એપ્રિલની જગ્યાએ 27 માર્ચે પરીક્ષા લેવાઈ હતી. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન 27મી માર્ચે સેન્ટ્રલ એલીજીબલ ટેસ્ટની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓએ એવી માંગ કરી હતી કે, 27મી માર્ચની પરીક્ષાની તારીખ લંબાવી આપવામાં આવે. વિદ્યાર્થીઓની માંગના પગલે યુનિવર્સિટીએ પરીક્ષા લંબાવીને બીજી એપ્રિલ કરી દીધી હતી. અંગે સત્તાવાર યુનિવર્સિટીની વેબસાઈટ પર પરિપત્ર પણ કરાયો હતો. આ પરિપત્ર છતા અણીતાની વિદ્યાદીપ કોલેજના સંચાલકોએ બીએસસી માઈક્રોબાયોલોજી સેમ-6ની પરીક્ષા બીજી એપ્રિલના બદલે 27મી માર્ચે જ લઈને ભારે છબરડો વાળ્યો હતો.

અગાઉ સુરત શહેરની વીર નર્મદ યુનિવર્સિટીમાં નવેમ્બર અને ઓક્ટોબરમાં યોજાયેલ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી. ગેરરીતિમાં પકડાયેલા 164 વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને 2500થી માંડીને 10 હજાર સુધીનો દંડ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓમાં સાહિત્ય લાવવા અને ગેજેટ લાવવાના કેસ નોંધાયા. તો કેટલાક વિદ્યાર્થીઓ રબર સહિતની સ્ટેશનરી પર જવાબ લખીને લાવ્યા હતા. તેમજ ઉત્તરવહીમાં વિગતો ભરવામાં જાણી જોઈને ભૂલ કરી હોય તેવા કેસ પણ સામે આવ્યા હતા. જો કે વિદ્યાર્થીઓએ ગેરરીતિ મામલે ભૂલ થઈ ગઈ હોવાનું કમિટી સમક્ષ કબુલાત કરી હતી. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તેમની સામાન્ય ભૂલને નિર્દોષ છોડી દેવાયા હતા.

(6:48 PM IST)