<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

AMCએ વૃક્ષારોપણના નામે ૨૩ કરોડનો ધુમાડો કર્યો

લોકોના ટેક્સના પૈસાનો વેડફાટઃછેલ્લા ૩ વર્ષમાં સત્તાધારી પક્ષ દ્વારા શહેરમાં અલગ અલગ સ્કીમના નામે ૭૦ લાખથી વધારે વૃક્ષ રોપ્યા જે પૈકી ૨૬ લાખ ૮૩ હજાર જેટલા વૃક્ષ બળીને ખાક થઈ ગયા છ

અમદાવાદ,તા.૧૭: એક તરફ દિવસે દિવસે આકરી ગરમી પડી રહી છે અને બીજી તરફ વિકાસના નામે અનેક વૃક્ષોના નિકંદન નીકળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિશન મિલિયન ટ્રી ના નામે પ્રોજેક્ટ ચલાવે છે, પરંતુ તેની પાછળ કરોડો રૃપિયાનો ધુમાડો થઈ રહ્યો છે.

વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે છેલ્લા ૩ વર્ષમાં સત્તાધારી પક્ષ દ્વારા શહેરમાં અલગ અલગ સ્કીમના નામે ૭૦ લાખથી વધારે વૃક્ષ રોપ્યા જે પૈકી ૨૬ લાખ ૮૩ હજાર જેટલા વૃક્ષ બળીને ખાક થઈ ગયા છે એટલે કે લગભગ ૬૬ ટકા જેટલો જ સક્સેસ રેશિયો થયો.

આ ત્રણ વર્ષમાં મનપાએ વૃક્ષના વાવેતરના નામે ૬૬ કરોડનો ખર્ચ કર્યો એટલે કે એક વૃક્ષ પાછળ ૯૩ રૃપિયા જેટલો ખર્ચ થયો અને નુકસાનની વાત કરીએ તો આશરે ૨૩ કરોડનું નુકસાન થયું, મનપા ઘણા કિસ્સામાં માત્ર સિંગલ ટેન્ડર આધારે કરોડો રૃપિયાના કામ આપી રહી છે જે નિયમ વિરુદ્ધ છે. સરકારના આંકડા મુજબ તો વૃક્ષારોપણમાં ૬૦ ટકા જ સક્સેસ રેશિયો છે. આટલો માતબર ખર્ચ કર્યા બાદ પણ વૃક્ષો બળી રહ્યા હોવાના આરોપને નકારવામાં આવી રહ્યા છે. આ તો માત્ર વૃક્ષારોપણની વાત થઈ અને જેમાં કરોડો રૃપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. ઉદ્દેશ ચોક્કસ સારો છે, પરંતુ અયોગ્ય પદ્ધતિ અને કાળજીના અભાવના કારણે લાખોની સંખ્યામાં વૃક્ષ બળી રહ્યા છે અને કરોડો રૃપિયાનો ધુમાડો થઈ રહ્યો છે બીજી રીતે જોઈએ તો લોકોના ટેક્ષના પૈસાના સૂકા લાકડાના ઠુંઠા થઈ રહ્યા છે.

(9:43 PM IST)