<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ગીરના સિંહોની વસ્તી ગણતરી મે મહિનામાં : ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

સંભવિત ૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજાશે ૧૬મી સિંહ વસ્તી અંદાજ-૨૦૨૫ : ગણતરીમાં ૩ હજાર તાલીમી સ્વયંસેવકો જોડાશે : હિલચાલ, લિંગ અને ઉંમર સહિતની વિગતો નોંધાશે

ગાંધીનગર : વિશ્વભરમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર અભયારણ્યમાં જોવા મળતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી આગામી મે મહિનામાં યોજાશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવતી આ વસ્તી ગણતરીનો ૧૬મો અંદાજ ૨૦૨૫માં સંભવિત તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના કુલ ૩૫ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી આવરી લેવામાં આવશે.
આ વસ્તી ગણતરીમાં સિંહોની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન અને ગૃપ કમ્પોઝિશન જેવી વિગતો નોંધવામાં આવશે. આ કાર્ય માટે રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો જોડાશે. વસ્તી ગણતરીમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, ઈ-ગુજરાત ફોરેસ્ટ એપ્લિકેશન અને જી.આઈ.એસ. સોફ્ટવેર જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. ત્યારબાદ ૧૯૯૫માં ૩૦૪, ૨૦૦૧માં ૩૨૭, ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને છેલ્લે ૨૦૨૦માં ૬૭૪ સિંહોની વસ્તી નોંધાઈ હતી. વન વિભાગ દ્વારા સિંહોના સંરક્ષણ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે તેમની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિ સિંહોની વસ્તી ગણતરી માટે ખૂબ જ ઉપયોગી છે, જેનાથી લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે. સમગ્ર વિસ્તારને વિવિધ એકમોમાં વિભાજીત કરીને લગભગ ૩ હજાર સ્વયંસેવકો દ્વારા સિંહોની ગણતરી કરવામાં આવશે. સિંહોની ઓળખ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને રેડિયો કોલરથી તેમની હિલચાલ પર નજર રાખવામાં આવશે. ઈ-ગુજરાત ફોરેસ્ટ એપ્લિકેશન દ્વારા રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરાશે અને જી.આઈ.એસ. સોફ્ટવેરથી વિગતવાર નકશા તૈયાર કરવામાં આવશે.
સિંહના ઇતિહાસની વાત કરીએ તો, હજારો વર્ષો પહેલાં મધ્ય યુરોપમાંથી તેની ઉત્પત્તિ થઈ હતી અને વિવિધ સ્થળોએથી પસાર થઈને તે ભારતમાં આવ્યો હતો. જનીનિક અભ્યાસ મુજબ એશિયાટિક અને આફ્રિકન સિંહ લાખો વર્ષો પહેલાં અલગ થયા હતા. નિષ્ણાતોના મતે સિંહ ઈ.સ. ૬ હજાર વર્ષ પૂર્વે ભારતમાં પ્રવેશ્યો હતો, જ્યારે કેટલાક પુરાવા ૩૦ લાખ વર્ષ પૂર્વે પણ તેની હાજરી સૂચવે છે. એક સમયે સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, પરંતુ આજે તે માત્ર ગુજરાતના ગીર વિસ્તારમાં જ જોવા મળે છે.

 

(9:28 AM IST)