<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સસરાએ પુત્રવધુનું કન્‍યાદાન કર્ર્યુ લગ્નના મંડપમાં અનોખા દ્રશ્‍યો જોવા મળ્‍યા

લગ્ન બાદ પુત્રનું અકસ્‍માતમાં મોત થયા બાદ પુત્રવધુ એકલું જીવન ગુજારી રહી હતી. જેથી સસરાએ તેના ફરીથી લગ્ન કરાવ્‍યા અને તેનું કન્‍યાદાન કર્ર્યુ

અંબાજી તા.૨૧: અંબાજીમાં  અનોખો લગ્ન પ્રસંગ જોવા મળ્‍યો હતો. જેમાં સસરાએ તેની પુત્રવધુનું કન્‍યાદાન કર્યું હતું, લગ્ન બાદ પુત્રનું અકસ્‍માતમાં મોત થયા બાદ પુત્રવધુ એકલું જીવન ગુજારી રહી હતી. જેથી સસરાએ તેના ફરીથી લગ્ન કરાવ્‍યા અને તેનું કન્‍યાદાન કર્યું હતું.

અંબાજીમાં એક અનોખી પરંપરા સાથે લગ્ન પ્રસંગ જોવા મળ્‍યો હતો. આ લગ્ન પ્રસંગ અનોખો એટલા માટે છે કારણ કે સસરાએ પુત્રવધુને દિકરીનો દરજ્જો આપ્‍યો, આજે કન્‍યાદાન કરી તેને વિદાય આપવામાં આવી છે. જેથી આજે પુત્રવધુને એક નવી જિંદગી મળી છે.

સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો, અંબાજીમાં રહેતાં પ્રવિણસિંહ રાણાના પુત્ર સિદ્ધાર્થના દોઢ બે વર્ષ અગાઉ લગ્ન પ્રસંગ ગોઠવ્‍યા હતા. જોકે બાદમાં સિદ્ધાર્થનું આકસ્‍મિક મોત નિપજતા તેના પિતા પ્રવિણ રાણાએ એકલતા ભોગવી રહેલી પુત્રવધુના લગ્ન કરાવ્‍યા છે.

તેમના સમાજમાં પુનઃવિવાહનો રિવાજ નથી તેમ છતાં પોતાની પુત્રવધુના સુખી સંસાર માટે આજે પ્રવિણસિંહે પુત્રવધુ માટે બીજો વર શોધીને તેણીને પરણાવી હતી અને પોતે સમાજમાં પુનઃવિવાહનો રિવાજ ન હોવા છતાં એક ડગલું આગળ વધીને આ પ્રસંગ ગોઠવ્‍યો હતો.

બીજી તરફ પુત્રવધુને પરણાવી ફરી બીજા સાસરે મોકલતાં પુત્રવધુ પણ ખુશીની લાગણી વ્‍યક્‍ત કરી હતી અને પોતાના સસરાના નિર્ણયને સ્‍વીકાર્યો હતો. એક નવું જીવન મળતા પુત્રવધુના જીવનમાં પણ આનંદ જોવા મળ્‍યો અને રાજીખુશીથી તેણે નવા જીવનની શરૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પુત્રવધુના પ્રવિણસિંહ રાણાના પુત્ર સિદ્ધાર્થ સાથે લવ મેરેજ થયા હતા. જોકે તેની સાથે તેના સાથ વધુ લાંબા સમય સુધી ન રહ્યો. બીજી તરફ સસરાએ પુત્રવધુને આજે ધામધૂમથી કન્‍યાદાન આપીને વિદાય આપી જેથી મંડપમાં અનોખા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા.(૩૮.૪)

(9:57 AM IST)