<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

અંબાજી સહિત અન્‍ય ૧૦ મંદિરોની આવક ૨૨૨ કરોડને પારઃ ૧૯૩ની આવક શૂન્‍ય!

એકલા અંબાજી મંદિરની ત્રણ વર્ષની આવક ૧૬૬ કરોડ : ૩ વર્ષમાં આવક ન થઈ હોય તેવા સંખ્‍યાબંધ મંદિરો વિકાસ કાર્યોથી વંચિત

નવી દિલ્‍હી તા.૨૨: ગુજરાતમાં અંબાજી સહિત ૨૯૩ મંદિરોનો વહીવટ સરકારી વહીવટદારો દ્વારા કરવામાં આવે છે, જે પૈકી અંબાજી મંદિર, બહુચરાજી માતાજી મંદિર સહિત કુલ ૧૦ મંદિરોમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૨૨ કરોડથી વધુની આવક થઈ છે. સૌથી વધુ એકલા અંબાજી મંદિરની ત્રણ વર્ષની આવક ૧૬૬ કરોડને આંબી ગઈ છે. બીજી તરફ ૨૯૩ પૈકી ૧૯૩ જેટલા મંદિરો એવા છે જેમની આવક ત્રણ વર્ષમાં શૂન્‍ય રહી છે. ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસના વર્ષ ૨૦૨૦-૨૧થી વર્ષ ૨૦૨૨-૨૩ના આ સત્તાવાર આંકડા છે.

ગુજરાતમાં મોટા મંદિરોમાં દાનની આવકમાં વધારો થઈ રહ્યો છે. અંબાજી મંદિરમાં જે આવક થઈ તેનો ઉપયોગ યાત્રિકોની સુવિધા, ધાર્મિક કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્‍થાઓ, આરોગ્‍ય સેવા, રાહત દરે ભોજન વ્‍યવસ્‍થા તેમજ સામાજિક વિકાસ કાર્યો પાછળ કરવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં ટ્રસ્‍ટની આવકમાંથી વહીવટી ખર્ચ, પગાર ભથ્‍થાં ઓડિટ વગેરે માટે ખર્ચ કરાયો છે. બહુચરાજીમાં સીસીટીવી કેમેરા, મંદિર પરિસરમાં કારપેટ, લાઈવ દર્શન, રૂમ રિનોવેશન, ફાયર સેફટી પાછળ ખર્ચ કરાયો છે. ગાંધીનગર રૂપાલ વરદાયિની માતા દેવ સંસ્‍થાનને જે આવક થઈ તેમાંથી વિકાસ કાર્યો કરવામાં આવ્‍યા છે. કેટલાક મંદિરો એવા પણ છે જેમને આવક તો થઈ છે પરંતુ વિકાસ કાર્ય માટે કોઈ જ ખર્ચ કરાયો નથી, જેમાં ઓલપાડમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર વગેરે સામેલ છે. એ જ રીતે ભૂજમાં દ્વારકાનાથ જાગીરમાં જે આવક થઈ તેમાંથી કોઈ વિકાસ કાર્ય કરાયાં નથી પરંતુ સરકારી ગાન્‍ટમાંથી માળખાગત કામો કરાયા છે. નવસારીમાં વાંસદામાં ત્રિકમરાયજી મંદિર, રામચંદ્રજી મંદિરમાં ત્રણ વર્ષમાં કોઈ આવક થઈ ન હોવાથી વિકાસ કામો માટે પણ કોઈ જ ખર્ચ કરાયો નથી, આમ આવક ન થઈ હોય તેવા મંદિરો વિકાસ કામોથી વંચિત રહ્યા હોય તેવી પણ સ્‍થિતિ છે. ત્રણ વર્ષમાં કોઈ આવક ન થઈ હોય તેવા મંદિરોની સંખ્‍યા ૧૯૩ આસપાસ છે.(૩૮.૫)

 મંદિરમાં ત્રણ વર્ષની આવક

અંબાજી મંદિર, અંબાજી  ૧૬૬ કરોડ

બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી  ૨૭.૬૫ કરોડ

દ્વારકાધીશ મંદિર, દ્વારકા   ૧૧.૦૫ કરોડ

ઘેલા સોમનાથ મંદિર, જસદણ  ૪.૨૯ કરોડ

બળિયાદેવ મંદિર, વડોદરા  ૩.૬૭ કરોડ

રૂપાલ વરદાયીની-ગાંધીનગર  ૩.૨૩ કરોડ

ઉનાઈ માતાજી મંદિર, ઉનાઈ  ૨.૮૯ કરોડ

હરસિદ્ધિ માતાજી, રાજપીપળા  ૨.૨૩ કરોડ

મોટા ગોપનાથ મહાદેવ, તળાજા  ૧.૩૦ કરોડ

નારાયણ સરોવર, લખપત  ૨૬.૮૦ કરોડ

(3:57 PM IST)