<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રાજ્યના નાગરિકોને સરળ પરિવહન આપવા ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિગમ : માર્ગોના રિસરફેસિંગ સહિત વિવિધ કામો માટે ₹૧૨૪૨ કરોડ ફાળવ્યા

રાજ્યના તમામ જિલ્લાઓમાં માર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઈમાં રિસરફેસિંગ માટે ₹૯૭૫ કરોડ : કડી તાલુકામાં ૪ માર્ગોના સુધારણા માટે ₹૧૭૧ કરોડ અને કચ્છમાં દેશલપર - હાજીપીર હાઈવે માટે ₹૯૫ કરોડ મંજૂર

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવીને નાગરિકો તેમજ વ્યાપાર અને ઉદ્યોગોને સરળ પરિવહન ઉપલબ્ધ કરાવવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાઓમાં રસ્તાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જરૂરિયાતવાળા રસ્તાઓના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી માટે ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઈમાં કામો હાથ ધરવા માર્ગ-મકાન વિભાગ માટે ₹૯૭૫ કરોડ મંજૂર કર્યા છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના કડી અને કચ્છના દેશલપર-હાજીપીરમાં રોડ નેટવર્કના વિવિધ કામો માટે કુલ ₹૨૬૭ કરોડ મંજૂર કર્યા છે. મહેસાણા જિલ્લાના મહત્વપૂર્ણ એવા કડી તાલુકામાં આવતા માર્ગોની જરૂરી સુધારણાના ચાર કામો માટે કુલ ₹૧૭૧ કરોડ ફાળવવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. આ ચાર માર્ગોમાં ડાંગરવા-કરજીસણ રોડ તેમજ કડી-જાસલપુર-મોકાસણ-સુરજ રોડના મજબૂતીકરણ, રિસરફેસિંગ અને સી.સી. રોડની કામગીરી માટે કુલ ₹૨૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ જ તાલુકાના અન્ય બે માર્ગો એવા ભાલ્ટી-ધરમપુર-ખાવડ રોડ તેમજ કડી-નાની કડી-બાવડુ-ચંદ્રાસણ-ખોડાનો ઢાળ રોડ જેવા કડી તાલુકા મથક સાથે જોડાતા અગત્યના રસ્તાઓ પરના ટ્રાફિક ભારણને ધ્યાનમાં લઈને આ માર્ગોને ૭ મીટર તથા ૧૦ મીટર પહોળા કરવાની કામગીરી માટે ₹૧૪૪ કરોડ મુખ્યમંત્રીશ્રીએ ફાળવ્યા છે. આમ, કડી તાલુકાના માર્ગ સુધારણાના કુલ ૪ કામો માટે ₹૧૭૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર ગુજરાતના આ માર્ગો સાથે કચ્છ જિલ્લાના યાત્રાધામ હાજીપીરને જોડતા દેશલપર-હાજીપીરના ૩૨ કિલોમીટર લંબાઈના ૭ મીટર પહોળા સ્ટેટ હાઈવે પર અતિભારે વાહનોની અવરજવર ધ્યાનમાં લઈને તેને સી.સી. રોડ બનાવવા માટે ₹૯૫ કરોડ ફાળવવાનો પણ નિર્ણય કર્યો છે. આમ, મુખ્યમંત્રીશ્રીએ સમગ્રતયા રાજ્યમાં માર્ગોના મજબૂતીકરણ, રિસરફેસિંગ, સી.સી. રોડ વગેરે કામો માટે ₹૧૨૪૨ કરોડ મંજૂર કર્યા છે.
આના પરિણામે છેવાડાના ગામોના વાહન વ્યવહારને તાલુકા મથક સુધીની અવરજવરમાં સુગમતા રહેશે તેમજ નગરો અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ મળશે અને ઔદ્યોગિક વિસ્તારના વાહન વ્યવહાર તેમજ હાજીપીર યાત્રાધામ સાથેની કનેક્ટિવિટી પણ સુદ્રઢ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ગોના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામો માટેની જે નાણાં ફાળવણી કરી છે તેનાથી જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે, મુખ્ય જિલ્લા માર્ગો તેમજ અન્ય ગ્રામ્ય માર્ગ કક્ષાના જરૂરિયાત વાળા રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ પ્રજાહિતલક્ષી નિર્ણયથી લોકોને યાતાયાત માટે સારી સપાટી વાળા અને સુવિધાયુક્ત માર્ગો મળશે.

 

(6:28 PM IST)