News of Tuesday, 22nd April 2025
ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે માહિતી ખાતાની નવી યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ લોન્ચ : પત્રકારો અને જનતાને સરળતાથી મળશે માહિતી
માહિતી ખાતાની અપગ્રેડેડ વેબસાઈટમાં પ્રેસનોટ, પ્રકાશનો, ફોટો અને વીડિયો બેંક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ : અક્રેડિટેશન કાર્ડ પોર્ટલ અને ગેટ પાસ પોર્ટલ પણ વેબસાઈટ સાથે સંકલિત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી ખાતાની નવી યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ gujaratinformation.gujarat.gov.inનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું. આ વેબસાઈટ દ્વારા પત્રકારો અને સામાન્ય જનતા સરળતાથી વિવિધ પ્રેસનોટ અને પ્રકાશનોનો લાભ લઈ શકશે.
મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી માહિતી ખાતાની આ નવી વેબસાઈટને વધુ યુઝર ફ્રેન્ડલી અને મોબાઈલ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે, જેમાં જૂની વેબસાઈટ કરતાં ઘણા વધારે ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે યુઝર માટે વધુ ઉપયોગી સાબિત થશે.
નવી વેબસાઈટમાં પ્રેસનોટને ટેક્સ્ટ ફોર્મેટ, વીડિયો અને ફોટો સાથે મલ્ટીમીડિયા ફોર્મેટમાં અપલોડ કરવામાં આવશે. તેમજ પ્રેસનોટને જિલ્લા, વિભાગ અને તારીખ પ્રમાણે ફિલ્ટર કરીને જોઈ શકાશે અને તેને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સીધા શેર કરી શકાશે. આ ઉપરાંત, માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનોને વાંચવાની, ડાઉનલોડ કરવાની અને કેટલા વપરાશકર્તાઓએ તેને એક્સેસ કર્યું તે જાણવાની વ્યવસ્થા પણ છે.
આ વેબસાઈટમાં ફોટો અને વીડિયો બેંક માટે આર્કાઇવ, તારીખ અને કાર્યક્રમ મુજબ શોધી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO)ના ઉપયોગ દ્વારા ગુગલ સર્ચમાંથી આ વેબસાઈટ સરળતાથી એક્સેસ કરી શકાય તે માટે તેને સુસજ્જ કરવામાં આવી છે.
રાજ્યના પત્રકારોને વિવિધ પ્રમાણભૂત સગવડો અને લાભો સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુથી અક્રેડિટેશન કાર્ડ પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું છે, જેને આ નવી વેબસાઈટ સાથે જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિવિધ કાર્યક્રમ પ્રસંગે પત્રકારોને પ્રવેશ પાસ આપવામાં આવે છે. પત્રકારોને આવા પાસ માટે કચેરીએ આવવું ન પડે અને સરળતાથી પાસ મળી રહે તે માટે ગેટ પાસ પોર્ટલને વેબસાઈટ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પત્રકારોને વિવિધ કાર્યક્રમો માટે ઓનલાઈન નોંધણી કરવાની, પ્રવેશ પાસ માટે અરજી કરવાની અને તેની મંજૂરી પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે.
આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના સચિવ અને માહિતી પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ. બચાણી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
