<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

જીએસટી અપીલના કેસનો નિકાલ કરવામાં લાલિયાવાડી દાખવનારાઓનો ઉધડો લેવાયો

રાજ્‍યના અધિકારીએ બેઠકમાં અપીલના પેન્‍ડીંગ કેસોની વિગતો મંગાવી અપીલના કેસનો નિકાલ નહીં કરવાના કારણો અંગે ખુલાસો પુછવામાં આવ્‍યો

અમદાવાદ,તા૨૩: જીએસટી અપીલના કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવતો નહીં હોવાની વ્‍યાપક ફરીયાદ બાદ ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અપીલના કેટલા કેસ હજુ સુધી નિકાલ કરાયો નથી તેમજ તેના કારણો સહિતની વિગતો મંગાવવામાં આવતા સ્‍ટેટ જીએસટીના સ્‍થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા. કારણ કે જે કેસનો નિકાલ કરવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી હોવા છતાં કેસનો નિકાલ કરવાના બદલે વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના મુદે અધિકારીઓને ખખડાવવામાં આવ્‍યા હોવાની પણ વિગતો જાણવા મળી છે.

જીએસટી લાગુ કરવામાં આવ્‍યા બાદ અત્‍યાર સુધીમાં અનેક કેસમાં કરવામાં આવેલી અપીલના કેસનો નિકાલ કરવામાં આવતો નથી. તેમજ આવા કેસની સુનાવણી સુધ્‍ધાં કરવામાં આવતી નહીં હોવાના લીધે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે. આ ઉપરાંત ઈ વેબિલ, રીટર્નના ડેટામાં મીસમેચ, આરસીએમ નહીં ચુકવ્‍યો હોય તે સહિતના કેસમાં વેપારીએ અપીલ કરી હોય તો તેનો નિકાલ કરવામાં ઠાગાઠેયા કરવામાં આવી રહ્યા હોવાની પણ વ્‍યાપક ફરીયાદ ઉઠી હતી. તે ફરીયાદ બાદ રાજ્‍યના ઉચ્‍ચ અધિકારીએ સુરત જીએસટીના અધિકારીઓ સાથે બેઠક કરીને જીએસટી લાગુ થયા બાદ અત્‍યાર સુધી કેટલી અપીલ કરવામાં આવી છે. તે પૈકી કેટલી અપીલનો નિકાલ કરવામાં આવ્‍યો છે. જેનો નિકાલ કરવામાં આવ્‍યો નથી તેના કારણો શું છે તે સહિતની વિગતો મંગાવવામાં આવી હતી. આ વિગતોના આધારે જીએસટીના અધિકારીઓ અને કર્મચારીઓને ખખડાવવામાં આવ્‍યા હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે સમયમર્યાદામાં અપીલના કેસનો નિકાલ કરવા માટેના કોઈ નિયમો બનાવવામાં આવ્‍યા નહીં હોવાના લીધે સીધી કે આડકતરી રીતે વેપારીઓને પરેશાન કરવામાં આવતા હતા. તે માટે વખતો વખત ઉચ્‍ચ સ્‍તરે રજુઆત કરવામાં આવ્‍યા બાદ તાકીદે અપીલના કેસનો નિકાલ કરવામાં આવે તે માટે બેઠક કરવામાં આવી હતી.

 આ બેઠક સોમવારના રોજ યોજવામાં આવ્‍યા બાદ આજે પણ બેઠકનો દોર યથાવત રાખવામાં આવ્‍યો હતો. જેથી આગામી એકાદ બે દિવસ પછી અપીલના કેસનો ઝડપથી નિકાલ કરવામં આવે છે કે ફરી પાછું એ જ ગોકળગાયની ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે તેની હકીકતો બહાર આવવાની શકયતા રહેલી છે

(3:54 PM IST)