News of Wednesday, 23rd April 2025
છતના પોપડાએ જીવ લીધો :સુરતમાં 11 દિવસ બાદ બાળકનું કરૂણમોત : પોપડો માથે પડતાં સારવાર દરમિયાન મૃત્યુ
પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમી રહેલા ધોરણ-6ના વિદ્યાર્થી ઉપર પર પડતા બાળકને ગંભીર ઇજા પહોંચી હતી

સુરતના સીમાડા વિસ્તારમાં આવેલા બ્લુસીટી એપાર્ટમેન્ટના પાંચમાં માળે પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમી રહેલા ધોરણ-6ના વિદ્યાર્થી ઉપર પર પડતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગત 11 એપ્રિલના રોજ બનેલી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 11 દિવસ બાદ બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ સીમાડા ભગવાન નગરમાં આવેલ બ્લુસીટી એપાર્ટમેન્ટમાં રહેતા કેતનભાઈ અકબરી નોકરી કરી પત્ની તેમજ એકના એક પુત્ર મંત્ર (ઉ.વ.12) સહિતના પરીવારનું ગુજરાન ચલાવે છે. કેતનભાઈનો પુત્ર મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. ગત 11મીએ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના કંપાઉન્ડમાં રમી રહ્યો હતો. દરમિયાન એપાર્ટમેન્ટના 5માં માળેથી પીઓપીનો પોપડો મંત્ર ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે બપોરે મંત્રનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બાળક સોસાયટીમાં એપાર્ટમેન્ટની નીચે રમી રહ્યો છે આ દરમ્યાન તેના માથા પર પોપડો પડે છે અને તે ત્યાં ઢળી પડતો જોવા મળે છે. બીજી તરફ ત્યાં લોકો મદદ માટે દોડી આવે છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
