<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના રિપોર્ટ અનુસાર પાંચ આયામો સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી પ્રથમ વર્ષથી જ સંપૂર્ણ ઉત્પાદન મળે છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર 100 ટકા પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને હાંસલ કરવા પ્રતિબદ્ધ

ગાંધીનગર: રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વધુને વધુ પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓએ સીએમ ડેશબોર્ડના માધ્યમથી ભાગ લીધો હતો. બેઠકમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ, તેના ફાયદા અને તેને વધુ લોકપ્રિય બનાવવા માટેના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. વધતી જતી બીમારીઓ વચ્ચે શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી એ આપણી પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. લોકોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ કરવાનો એકમાત્ર અસરકારક ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. તેમણે ભૂતકાળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગ્રહથી રાજ્યના તમામ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓએ ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી તેનો ઉલ્લેખ કર્યો હતો અને તેના પરિણામે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાને વેગ પકડ્યો હોવાનું જણાવ્યું હતું.

જૈવિક ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો મૂળભૂત તફાવત સ્પષ્ટ કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ, મહેનત અને ઉત્પાદનની બાબતમાં કોઈ ખાસ ફરક પડતો નથી. તેનાથી વિપરીત, પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે વધુ અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન મેળવી શકાય છે. તાજેતરમાં ગુજરાતની જુનાગઢ, આણંદ અને દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે જો પ્રાકૃતિક કૃષિ પાંચ આયામો સાથે કરવામાં આવે તો પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળે છે, જ્યારે ખર્ચ નહિવત હોવાથી ખેડૂતોને વધુ આર્થિક લાભ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે સૌને આ મિશન દ્વારા વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો વેચવા માટે વધુને વધુ બજાર ઉપલબ્ધ કરાવવા પણ અપીલ કરી હતી.

આ ઉપરાંત, રાજ્યપાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલા વીજળી બચાવો અભિયાનમાં સહભાગી થવા અને સૂર્યોદય પહેલા અને પછી સ્ટ્રીટ લાઈટો બંધ કરીને વીજળી બચાવવામાં યોગદાન આપવા પણ સૌને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓએ જિલ્લાના વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાતે લઈ જઈને પ્રાકૃતિક ખેતીથી ઓછી આવક થાય છે તેવી ખોટી માન્યતા દૂર કરવામાં સક્રિય ભૂમિકા ભજવવી પડશે. તેમણે અધિકારીઓને ગામોની મુલાકાત અને ગ્રામસભા જેવા નિયમિત કાર્યક્રમો દરમિયાન પણ પ્રાકૃતિક ખેતીની સમીક્ષા કરવા અને વધુ ખેડૂતોને આ માટે પ્રેરિત કરવા જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોને રાજ્ય સરકાર ગતિ આપી રહી છે અને 100 ટકા પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને દેશવાસીઓને આપેલા નવ સંકલ્પોમાં પ્રાકૃતિક ખેતી અને ખેત ઉત્પાદનના વ્યાપને વધારવાનો પણ સમાવેશ થાય છે અને આ માટે જિલ્લાના વડા તરીકે અધિકારીઓએ લીડ લેવાની જરૂર છે.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો ફેલાવો વધારવા માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે અને આ કાર્યમાં કૃષિ વિભાગ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે. તેમણે તમામ અધિકારીઓને તેમના જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો માટે મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરવા, તાલીમની વ્યવસ્થા કરવા અને ઉત્પાદનો વેચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો.

બેઠકની શરૂઆતમાં મુખ્ય સચિવ પંકજ જોશીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની પ્રગતિ વિશે માહિતી આપી હતી, જ્યારે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

(7:54 PM IST)