News of Wednesday, 23rd April 2025
ભરૂચમાં ભાડુઆતોની નોંધણી નહિ કરાવનારા સામે ઝુંબેશ : છેલ્લા 4 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં 343 મકાન માલિકો સામે કાર્યવાહી
સૌથી વધુ એસઓજી પોલીસે 50 કેસ નોંધ્યા: દહેજમાં 33, અંકલેશ્વર 'એ' ડિવિઝનમાં 25 અને ભરૂચ શહેર 'સી' ડિવિઝનમાં 20 કેસ. આમોદમાં 20 કેસ દાખલ: ભાડા કરાર વગર રહેતા ભાડુઆતો અને મકાન માલિકોમાં ફફડાટ ફેલાયો

ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના મુજબ 19થી 22 એપ્રિલ 2025 દરમિયાન વિશેષ ઝુંબેશ યોજવામાં આવી હતી
આ ઝુંબેશનો મુખ્ય હેતુ ઔદ્યોગિક વિસ્તારોમાં ભાડે રહેતા પરપ્રાંતીય લોકોની માહિતી એકત્રિત કરવાનો હતો. મકાન માલિકોએ ભાડુઆતોની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારા 343 મકાન માલિકો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223(બી) હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશન વાર આંકડા જોઈએ તો, સૌથી વધુ એસઓજી પોલીસે 50 કેસ નોંધ્યા છે. દહેજમાં 33, અંકલેશ્વર 'એ' ડિવિઝનમાં 25 અને ભરૂચ શહેર 'સી' ડિવિઝનમાં 20 કેસ નોંધાયા છે. આમોદમાં પણ 20 કેસ દાખલ થયા છે. પાનોલીમાં 17, વાગરા અને ઝઘડીયામાં 16-16 કેસ નોંધાયા છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની સુરક્ષા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાનો છે. ભાડા કરાર વગર રહેતા ભાડુઆતો અને મકાન માલિકોમાં આ કાર્યવાહીને કારણે ફફડાટ ફેલાયો છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
