<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સુરતની બ્રેઈન ડેડ મહિલાના પરિવારે 7 લોકોને નવજીવન આપ્યું : પન્નાબેનના હાથ, લિવર, ફેફસા, બન્ને કિડની અને આંખોનું દાન કર્યું

મૂળ અમરેલીના પન્નાબેનને બ્લડ પ્રેશર હાઈ થઈ જતાં ચક્કર આવવા લાગ્યા હતા:મગજના રિપોર્ટ કરાવતા હેમરેજ હોવાનું નિદાન થયું હતુ.

સુરત શહેરમાંથી વધુ એક વખત અંગદાન કરવામાં આવ્યું છે. જેમાં 52 વર્ષીય પન્નાબેન ભરતભાઈ શિંગાળાના હાથ, લીવર, ફેફસા, બન્ને કિડની અને બન્ને આંખોના દાન થકી 7 લોકોને નવજીવન મળ્યું છે.

મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કોઠા પીપરીયા ગામના વતની અને હાલમાં એ.કે.રોડ સ્થિત રતનજી નગરમાં પન્નાબેન ભરતભાઈ શિંગાળા (ઉ.52 વર્ષ) પરિવાર સાથે રહેતા હતા. જેમના પરિવારમાં પતિ ભરતભાઈ ઘુસાભાઈ શિંગાળા જે રત્નકલાકાર તરીકે કામ કરે છે. જ્યારે સંતાનમાં 15 વર્ષનો દીકરો નિહાર, 22 વર્ષની દીકરી દેવાંશી અને દિયર ધીરેન ધુસાભાઈ શિંગાળા છે.

ગત તા.11-04-2025 ના રોજ પન્નાબેન ભરતભાઈ શિંગાળાને રાત્રિ સમયે અચાનક ચક્કર આવતા તેમના પતિ ભરતભાઈ અને દિયર ધીરેનભાઈ નજીકના દવાખાને લઇ જતાં તપાસ કરતા ત્યાના ડોકટરે બ્લડ પ્રેશર વધારે હોઈ એવું જણાવી નજીકની સિલ્વર હોસ્પિટલ, મોટા વરાછા ખાતે લઇ જવાનું કહ્યું હતુ. જ્યાંના ડો.નીલેશ ગલાણી દ્વારા મગજના રિપોર્ટ કરાવતા પન્નાબેનને મગજમાં હેમરેજ હોવાથી ઓપરેશન કરવું પડે તે માટે તેઓએ તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતાં.

કિરણ હોસ્પિટલમાં પન્નાબેનનું ઈમરજન્સીમાં રાત્રે 2 વાગ્યે ઓપરેશન કરાયું હતું અને વધુ સારવાર અર્થે ICUમાં રાખવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ 21-04-2025ના રોજ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા ફરીથી તેમના રિપોર્ટ કરતા મગજ પર સોજો વધી ગયો હોઈ અને દર્દીના તબિયતમાં સુધારો થઇ શકે એમ નહતુ. જે બાદ કિરણ હોસ્પિટલમાં ફરજ પરના ડો. ભૌમિક ઠાકોર, ડો.હીના ફળદુ , ડો. દર્શન ત્રિવેદી અને મેડીકલ ડીરેકટર ડો.મેહુલ પંચાલ દ્વારા પન્નાબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

કિરણ હોસ્પિટલના મેડીકલ ડીરેકટર ડો.મેહુલ પંચાલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા અને વિપુલ તળાવીયા નો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ કિરણ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ પન્નાબેનના પરિવારના સભ્યો સાથે મળ્યા.

પન્નાબેનના પતિ ભરતભાઈ અને તેમના દિયર ધીરેનભાઈ વારંવાર સોશિયલ મીડિયા અને અખબાર પત્રમાં અંગદાન વિષે જોતા અને વાંચતા હતા. મારા ઘરે જયારે એક દીપક ઓલવાઈ ગયો છે પરંતુ અંગદાન કરી હું બીજા ઘરના અનેક દીપકને પ્રજ્વલિત કરી શકાઈ અને અંગદાન કરવાથી બીજા અનેક લોકોને નવું જીવન મળતું હોઈ એ વિશેષ મહત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના પતિએ સ્વેચ્છિક રીતે અંગદાન કરવા માટેની તેયારી બતાવી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ક્રિષ્નાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.

અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા કિરણ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, કિરણ હોસ્પિટલ તથા શિંગાળા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એજ સર્વશ્રેષ્ઠ દાન છે જેમનું એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવાર દ્વારા અંગદાનના સંકલ્પ અને સુંદર વિચાર થકી હાથ, લીવર, ફેફસાં, બંને કીડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય સાત લોકોને જીવનદાન મળ્યું છે

આ તમામ અંગો SOTTO દ્વારા કિરણ હોસ્પિટલ, સુરત ખાતે ફાળવવામાં આવ્યા હતાં. હાથનું ટ્રાન્સપ્લાન્ટ ડો.અરવિંદ પટેલ,ડો.નીલેશ કાછડીયા,ડો.નીધીશ પટેલ તથા બંને કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ ડો.પ્રમોદ પટેલ,ડો.મુકેશ આહિર,ડો.કલ્પેશ ગોહેલ તથા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ડો,ધર્મેશ ધાનાણી,ડો.રુચિર ઝવેરી તથા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ડો.નંદકિશોર કાપડિયા,ડો. ધવલ ભીમાણી આંખોનું ટ્રાન્સપ્લાન્ટ ડો.સંકિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો.નિલેષ કાછડીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડિયા, નીતિન ધામેલીયા,બિપિન તળાવીયા,હાર્દિક ખીચડીયા,વૈજુલ વિરાણી, કિરણ હોસ્પીટલના ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, જગદીશ સિંધવ,નીલેશભાઈ વિઠાની, એનેસ્થેસિયા ટીમ, કિરણ હોસ્પીટલના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને શિંગાળા પરિવારના સભ્યોનો ખુબજ સહકાર મળેલ હતો. અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતનાં પ્રયાસોથી આ 23 મું અંગદાન કરાવવામાં આવ્યું. જેના થકી અન્ય સાત લોકોનાં જીવન દીપી ઉઠ્યા છે.

(11:46 PM IST)