તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Thursday, 24th April 2025
દેશની ઉન્નતી અને ભાવિ પેઢીના નિર્માણમાં સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન : લોકોના સ્વસ્થ આહાર અને પર્યાવરણની રક્ષા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય
કામધેનુ યુનિવર્સિટીના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ૭૪૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ : પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે વિદ્યાર્થીઓના જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતાને ગ્રામ્ય જીવનના વિકાસ માટે નવી દિશા આપનાર ગણાવ્યા : રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૫ મેડલ અર્પણ કરવામાં આવ્યા

ગાંધીનગર: રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉનહોલ-ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોના ૭૪૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યપાલે તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૫ મેડલ પણ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણે સુખની પ્રાપ્તિ માટે જીવનમાં ઉપયોગી અનેક વસ્તુઓનું નિર્માણ કરીએ છીએ, પરંતુ આયુર્વેદ અનુસાર સુખનો મુખ્ય આધાર ઉત્તમ સ્વાસ્થ્ય છે. તેમણે ઉમેર્યું કે, ધર્મ, અર્થ અને કામ કરતાં મોક્ષની પ્રાપ્તિ માટે સ્વસ્થ શરીર પ્રથમ આધાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં લોકોને સ્વસ્થ આહાર મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતાં રાજ્યપાલે કહ્યું કે, જાણકારીના અભાવે લોકો પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી સમજી બેસે છે. ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન, ખર્ચ અને મહેનતમાં ઘટાડો થતો નથી, જ્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો નહિવત ખર્ચે પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું ઉત્પાદન મેળવી શકાય છે અને ત્યારબાદ દર વર્ષે ઉત્પાદનમાં વધારો થાય છે. તેમણે પોતાના ગુરુકુળ કુરુક્ષેત્રના ઉદાહરણ દ્વારા ગાયોની નસલ સુધારણા અને દૂધ ઉત્પાદનમાં વધારા અંગે વાત કરી અને સેક્સ સોર્ટેડ સીમનના ઉપયોગના ફાયદાઓ જણાવ્યા હતા.
રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમની ડિગ્રીને માત્ર નોકરીનું સાધન ન બનાવીને દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે પશુપાલન દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાના મહત્વ પર ભાર મૂક્યો અને પ્રધાનમંત્રીના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે દરેક વ્યક્તિને પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવવા અનુરોધ કર્યો હતો.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજનો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રસેવાના નવા પ્રારંભ સમાન છે. વિદ્યાર્થીઓનું જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતા ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે. તેમણે ભારતની રૂરલ ઈકોનોમીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધુ મજબૂત બનાવવા માટે યુવાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી અને "વિકસિત ભારત@૨૦૪૭" અને "સહકાર સે સમૃદ્ધિ" જેવા સંકલ્પોને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું. તેમણે વડાપ્રધાનના વ્હાઈટ રિવોલ્યુશન ૨.૦ અને બ્લુ રિવોલ્યુશન જેવા વિઝનના પરિણામે ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ભારતના વૈશ્વિક સ્તરે પહોંચવાની વાત કરી હતી અને કામધેનુ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટે વિશ્વની ૪૮ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે કરાયેલા સમજૂતી કરારનો ઉલ્લેખ કર્યો હતો.
મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા વિકસાવેલા સુદ્રઢ પશુ આરોગ્ય માળખાને કારણે યુવાઓ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થયાનું જણાવ્યું હતું અને મરીન એક્વાકલ્ચર જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગ સાહસિકતાની તકો પર ભાર મૂક્યો હતો. તેમણે દરિયા કિનારાના વિકાસને રાષ્ટ્ર વિકાસ સાથે જોડીને દેશના વિકાસનું મુખ્ય પરિબળ બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
શેર-એ-કશ્મીર એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટી-જમ્મુના કુલપતિ ડૉ. બી. એન. ત્રિપાઠીએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને વેટરનરી, ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે નવી ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા નવી દિશા આપવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતના ૨૫ ટકા યોગદાનની વાત કરી હતી અને મત્સ્યોદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ ભારતને મોખરાનું સ્થાન હાંસલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ સહિત ઉપસ્થિત સૌએ કશ્મીરના પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. દીક્ષાંત સમારોહના પ્રારંભે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને યુનિવર્સિટીની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. અંતમાં રજિસ્ટ્રાર ડૉ. કે. કે. હડિયાએ આભારવિધિ કરી હતી. સમારોહ દરમિયાન શ્રેષ્ઠ અધ્યાપક, શ્રેષ્ઠ સંશોધક અને શ્રેષ્ઠ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રીના પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યા હતા અને વિવિધ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ, કુલસચિવો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
