News of Thursday, 24th April 2025
‘આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ’ની વેબસાઈટ યથાવત રહેશે : ખેડૂતો અરજીનું સ્ટેટસ જાતે ટ્રેક કરી શકશે
નવીન પોર્ટલ વધુ સુવિધાયુક્ત અને પારદર્શી બન્યું : અરજીનું સ્ટેટસ ટ્રેક કરી શકાશે, SMSથી અપડેટ મળશે : વિવિધ કંપનીઓના ઉત્પાદનોની પસંદગી ઉપલબ્ધ

ગાંધીનગર: ખેડૂતોમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી ન થાય તે માટે નવા લોન્ચ થયેલા ‘આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ’ની વેબસાઈટ અગાઉની જેમ જ www.ikhedut.gujarat.gov.in રહેશે. આ પોર્ટલ દ્વારા યોજનાકીય લાભો મેળવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ વેબસાઈટ પર નોંધણી કરાવવી પડશે. ખેડૂત ભાઈઓ પોતાની જમીનની વિગત અને મોબાઈલ નંબર ભરીને સરળતાથી નોંધણી કરી શકશે. એકવાર નોંધણી થયા બાદ તેઓ ખેતીવાડી અને સંલગ્ન કોઈપણ યોજનાઓનો લાભ લેવા માટે સરળતાથી અરજી કરી શકશે.
‘આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ’ની વિશેષતાઓ:
આ નવા પોર્ટલમાં ખેડૂતોને અનેક નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે ખેડૂતો પોતાની અરજીનું સ્ટેટસ એક જ જગ્યાએ પોતાના લોગીનમાં સરળતાથી ટ્રેક કરી શકશે. અરજી કર્યા બાદ ખેડૂતોને સમયાંતરે SMS દ્વારા સૂચનાઓ અને અપડેટ્સ આપવામાં આવશે, જેથી તેઓ દરેક તબક્કે માહિતગાર રહે.
આ ઉપરાંત, ખેડૂતો હવે વિવિધ રજિસ્ટર્ડ કંપનીઓ અને ડીલરો દ્વારા ઓફર કરવામાં આવતા ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાંથી પોતાની જરૂરિયાત મુજબ પસંદગી કરી શકશે, જે સારી ગુણવત્તા અને યોગ્ય કિંમત સુનિશ્ચિત કરશે. પોર્ટલ ખેડૂતોના પ્રશ્નોને ઘટાડવા માટે CMS આધારિત કૃષિ વિષયક માર્ગદર્શિકા અને FAQs જેવી અપડેટેડ માહિતી પણ ઉપલબ્ધ કરાવશે.
નવીન પોર્ટલના સ્વચાલિત કાર્યપ્રવાહને કારણે પ્રક્રિયા ઝડપી બનશે અને ખેડૂતોને મંજૂરી પણ ઝડપથી મળશે. હવે મેન્યુઅલ ફોલોઅપ્સની જરૂર નહીં રહે, સિસ્ટમ આપમેળે અધિકારીઓને મંજૂરીઓ માટે સૂચનાઓ મોકલશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂતો સાધન અથવા ઘટકની ખરીદી કે બાંધકામ વગેરે માટેના બિલ/ડોક્યુમેન્ટ પોર્ટલ પર જાતે જ અપલોડ કરી શકશે, જેનાથી તેમને સહાયની ચૂકવણી સરળતાથી થઈ શકશે.
આ પોર્ટલમાં એક મોબાઈલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે. આ એપ્લિકેશનનો ઉપયોગ ખેડૂતો દ્વારા ખરીદવામાં આવેલા સાધન અથવા ઘટકના વેરિફિકેશન માટે થશે. એપ્લિકેશનમાં વેરિફિકેશન કરનાર અધિકારી/કર્મચારી દ્વારા સાધન/ઘટકના લેટ-લોંગ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તમામ સુવિધાઓથી ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં વધુ સરળતા અને પારદર્શિતાનો અનુભવ થશે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
