News of Thursday, 24th April 2025
સહકારી મંડળીઓના સભાસદો માટે ભેટ મર્યાદામાં મોટો વધારો : હોદ્દેદારોની મોંઘી કાર ખરીદી પર અંકુશ - સહકાર મંત્રી
રાજ્યની ૮૯ હજારથી વધુ સહકારી મંડળીઓના કરોડો સભાસદોને ભેટની મર્યાદા વધવાનો લાભ મળશે : પ્રાથમિક મંડળીઓ હવે ₹૧૨૫૦ સુધીની ભેટ આપી શકશે : મંડળીઓમાં બિનજરૂરી મોંઘી કાર ખરીદી પર સરકારનો નિયંત્રણ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સભાસદો મંડળીઓ સાથે જોડાયેલા રહે તે માટે ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ, સહકારી મંડળીઓના હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી બિનજરૂરી મોંઘી વાહનોની ખરીદી પર અંકુશ મૂકવામાં આવ્યો છે.
મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રાથમિક કક્ષાની સહકારી મંડળીઓ જે અગાઉ ₹૭૫૦ સુધીની ભેટ આપી શકતી હતી, તે હવે ₹૧૨૫૦ સુધીની ભેટ આપી શકશે. તાલુકા કક્ષાની મંડળીઓ માટે આ મર્યાદા ₹૧૦૦૦ થી વધીને ₹૨૫૦૦, જિલ્લા કક્ષાની મંડળીઓ માટે ₹૩૦૦૦ થી વધીને ₹૫૦૦૦ અને રાજ્ય કક્ષાની મંડળીઓ માટે ₹૬૦૦૦ થી વધીને ₹૧૦,૦૦૦ કરવામાં આવી છે. આનાથી સભાસદોને વધુ સારી ભેટ મળી શકશે અને તેઓ મંડળીઓ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત થશે, જેના પરિણામે સહકારી મંડળીઓનો વધુ સારો વિકાસ થશે. રાજ્ય સરકારે ભેટની ખરીદી પણ ઈ-ટેન્ડરિંગ પદ્ધતિથી કરવા જણાવ્યું છે, જેથી ખરીદીમાં થતી અનિયમિતતા અટકાવી શકાય.
સહકાર મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં પ્રથમવાર સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ સહકારી મંડળીઓના વહીવટમાં સુધારા માટે સતત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સહકારી મંડળીઓમાં થતી બિનજરૂરી મોંઘા વાહનોની ખરીદીને નિયંત્રિત કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે સભાસદોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સહકારી મંડળીઓના વહીવટને વધુ પારદર્શક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજ્યમાં ૮૯,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જેમાં મોટી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. આ મંડળીઓ સાથે કરોડો સભાસદો જોડાયેલા છે. સહકાર વિભાગ દ્વારા મંડળીઓના વિકાસની સાથે સાથે વહીવટમાં પારદર્શિતા લાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એક તરફ ભેટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ મોંઘા વાહનોની ખરીદી પર રોક લગાવવામાં આવી છે. મંડળીઓને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરીને નિશ્ચિત મોડેલવાળા વાહનોથી મોંઘા વાહનો ન ખરીદવા માટે સૂચના આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારે સભાસદો માટે ડિવિડન્ડની મર્યાદા પણ ૧૫% થી વધારીને ૨૦% કરી છે, જેનો કરોડો સભાસદોને લાભ થયો છે. હવે ભેટ મર્યાદામાં વધારો થવાથી વધુ સભાસદોને ફાયદો થશે. સહકારી મંડળીઓમાં વાહનોની જરૂરિયાત હોય છે, પરંતુ હોદ્દેદારો દ્વારા બિનજરૂરી મોંઘા વાહનોની ખરીદી કરવામાં આવતી હતી, જે મંડળીના ભંડોળનો યોગ્ય ઉપયોગ નહોતો. આથી રાજ્ય સહકારી કાઉન્સિલમાં સર્વાનુમતે નિર્ણય લઈને વાહનોની ખરીદી માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
