News of Thursday, 24th April 2025
તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે પપેટ શો દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી
મેલેરિયાના લક્ષણો, નિદાન, સારવાર અને બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન અપાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : 25 મી એપ્રિલે વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. અમદાવાદ જિલ્લાના તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે વિશ્વ મેલેરીયા દિવસની પપેટ શો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મેલેરિયાના લક્ષણો, નિદાન, સારવાર અને બચવાના ઉપાયો અંગે પપેટ શો દ્વારા સમજ આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય કચેરી વિરમગામના કર્મચારીઓ અને આરબીએસકે ટીમ દ્વારા પપેટ શો રજૂ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ શઅમદાવાદ જિલ્લામાં વાહનજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. વિશ્વ મેલેરીયા દિવસે આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગીંગ, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવશે. ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
