<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

રાજ્ય સરકાર બનાવશે 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 હાઈ સ્પીડ કોરિડોર: જાણો આ માર્ગો ક્યાંથી ક્યાં હશે ?

'ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર' પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 1020ના ખર્ચે 1367 કિમી લાંબા 12 હાઇ સ્પીડ કોરિડોર બનાવશે; ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેમાંથી પહેલો 'નમો શક્તિ એક્સપ્રેસવે' હશે, જે બનાસકાંઠા-સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોને જોડશે

ગાંધીનગર :ગુજરાતમાં અનેક રૂટ પર નવા હાઇ સ્પીડ કોરિડોર અને 2 એક્સપ્રેસવે બનાવવામાં આવશે. આ 2 નવા એક્સપ્રેસવે બનાવવામાં આવશે, બંને ગ્રીનફિલ્ડ હશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર 12 હાઇ સ્પીડ કોરિડોર પણ બનાવવા જઈ રહી છે, જે રાજ્યમાં ટ્રાફિક અને પરિવહનનો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખશે. 'ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર' પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 1020ના ખર્ચે 1367 કિમી લાંબા 12 હાઇ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. આ સાથે હાઇવે જામ અને નવા પરિવહન માળખાના વિકાસ માટે બજેટમાં રૂપિયા 24,705 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે.

રાજ્યમાં ૨ નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 હાઇ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેમાંથી પહેલો 'નમો શક્તિ એક્સપ્રેસવે' હશે, જે બનાસકાંઠા-સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોને જોડતો બનાવવામાં આવશે.

બીજો એક્સપ્રેસવે 'સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે' હશે, જે અમદાવાદ-રાજકોટ-પોરબંદરમાંથી પસાર થશે અને ગુજરાતના બે મુખ્ય ધાર્મિક સ્થળોને જોડીને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપશે.

ગુજરાતમાં 1020 કરોડના ખર્ચે 1367 કિમી લંબાઈના 12 હાઇ-સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. જોકે, તેમના રૂટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આ સાથે ભુજ-નખત્રાણા ૪ લેન હાઇ સ્પીડ કોરિડોર માટે 937 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ સાથે રૂપિયા 278 કરોડના ખર્ચે ગુજરાતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને પર્યટન સ્થળોને જોડતો હાઇ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે, જેનો રૂટ અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન-નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા સુધી પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ સાથે, રાજ્ય સરકાર ગાંધીનગર-પેથપુર-મહુડી રોડને 4 લેન પહોળો કરશે અને 85 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવશે.

(6:46 PM IST)