<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

જમ્મુ-કાશ્મીરમાં ગયેલા ગુજરાતી પરિવારોને ભૂસ્ખલન અને આતંકી હુમલો જેવી બે મોટી ઘાત ટળી, હેમખેમ પરત ફર્યા

પહેલગામમાં આતંકી હુમલાના બે દિવસ પૂર્વે એટલે કે રામબન જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની જેમાં નેશનલ હાઈવે નંબર 14 પર ગાંધીનગરના સેક્ટર-14 અને વાવોલના તેમજ પાલનપુરના કુલ 56 જેટલા મુસાફરો ભૂસ્ખલનમાં ફસાયા હતા.

ગાંધીનગર : જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા પહેલગામમાં બનેલી આતંકી ઘટનામાં કુલ 27 લોકો જીવ ગુમાવ્યો જેમાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓ પણ મૃત્યુ પામ્યા હતા. જો કે આતંકવાદ ઘટના બની તે બે દિવસ પૂર્વે એટલે કે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં 19 એપ્રિલે વાદળ ફાટવાની ઘટના બની હતી.

આ ઘટનામાં ને.હાઈવે નંબર 14 પર ગાંધીનગરના સેક્ટર-14 અને વાવોલના તેમજ પાલનપુરના કુલ 56 જેટલા મુસાફરો ભૂસ્ખલનમાં ફસાયા હતા. આજે તેઓ ખાસ લક્ઝરી બસ મારફતે સુરક્ષિત પરત ફર્યા છે.

પરત ફરેલા ગુજરાતી મુસાફરો દર્દનાક વ્યથા વર્ણવતા જણાવ્યું કે આમ તો આતંકવાદી ઘટના અને ભૂસ્ખલન એમ બે ઘટના કાશ્મીરમાં બની તે બન્ને ઘટનામાં અમારી સૌની બે ઘાત ટળી.

19 તારીખે ભારે વરસાદના કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર થયેલા ભૂસ્ખલનથી હજારો વાહનો રસ્તા પર અટવાયા હતા. જેમાં ગુજરાતમાંથી પ્રવાસે ગયેલા પ્રવાસીઓ પણ ફસાયા હતા. જેમાં 20 એપ્રિલની સાંજે એક મુસાફરે વીડિયો દ્વારા મદદની અપીલ કરતાં ગુજરાત અને જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

કાશ્મીર પ્રવાસેથી હેમખેમ પરત આવેલ ગાંધીનગરના વતની બાબાલાલ સોલંકીએ સમગ્ર ઘટના અંગે કહ્યું કે, "અમે અને પાલનપુર, ગાંધીનગર અને વાવોલ એમ કુલ 56 જેટલા પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર પ્રવાસે ગયા હતા. જેમાં મોટેભાગે સિનિયર સિટીઝન હતા. કાશ્મીરના પહેલગામથી આગળ જતાં બપોરે એકદમ વાદળછાયું વાતાવરણ થયું અને ભૂસ્ખલન થયું. જેમાં અમે બે દિવસ સુધી રસ્તામાં ફસાયા અને અમારી નજર પર્વતથી પથ્થરો પડતા અને બરાબર થોડાઘણા આગળ પાછળ જઈએ તો ખીણમાં ખાબકીએ એવો હાલમાં બે દિવસ વિતાવ્યા. સમગ્ર ઘટના અંગે મદદ માગતા ગાંધીનગર કલેક્ટરનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ તંત્ર મદદે આવ્યું.

ઘટના અંગે વધુમાં વાત કરતા ચંચળબેન સોલંકીએ જણાવ્યું કે, "તેઓ એક રાત અને એક દિવસ ગાડીમાં ભૂખ્યા-તરસ્યા રહ્યા હતા. બીજી રાત્રે આર્મીના જવાનોએ તેમને બચાવ્યા હતા. જાણે આભ ફાટ્યું ત્યારે અમે લાગતું હતું કે બચીશું નહીં. આ ઘટનાને કારણે મોતને ખૂબ નજીકથી જોયું એમ લાગતું હતું. પરંતુ કોઈ પુણ્યને કારણે અમે હેમખેમ બચી ગયા."

તો સાથે ગયેલા બીજા એક ગાંધીનગરના પુષ્પાબેને કહ્યું કે, "આર્મીના જવાનોએ સાત કિલોમીટર ચાલીને તેમના સુધી ખાવાનું પહોંચાડ્યું હતું. તેમણે સ્થાનિક લોકો દ્વારા મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ડબલ ભાવની પણ ફરિયાદ કરી હતી." હાલ આજે પણ આ ઘટના યાદ કરતા રડી પડ્યા અને કહેવા લાગ્યા કે, "આતંકવાદ હુમલા એક દિવસ પહેલા પહેલગામમાં હતા ત્યાં આવ્યા એ દિવસે રસ્તામાં ભૂસ્ખલનમાં ફસાયા.

બીજા દિવસે જ્યારે સુરક્ષિત સ્થળે પહોંચ્યા ત્યાં જાણકારી મળી કે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. એટલે જાણે થયું કે આતંકવાદી હુમલો અને ભૂસ્ખલનમાં બચ્યા એમ બે ઘાત ટળી." આમ પરત ફરેલા મુસાફરો ઘરે પરત ફર્યા બાદ નવું જીવન મળ્યું હોય તેમ દુ:ખના દિવસો યાદ કરીને હાલ તમામ મુસાફરો હેમખેમ ઘરે પરત ફર્યા અને તેમના પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દૃશ્યો સર્જાયા.

(8:07 PM IST)